અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ પાસે ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા
અમેરિકાના વોશિંગ્ટનમાં બે ઇઝરાયલી નાગરિકોની હત્યા કરવામાં આવી છે. ગોળીબારની આ ઘટના એક યહૂદી સંગ્રહાલયની બહાર બની હતી, જ્યાં અમેરિકન યહૂદી સમિતિનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. ધરપકડ દરમિયાન તેણે પેલેસ્ટાઇન વિશે નારા લગાવ્યા હતા. ઇઝરાયલી દૂતાવાસે આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેના અનુસાર, ગોળીબારમાં બે દૂતાવાસના અધિકારીઓના મોત થયા છે.
સમાચાર એજન્સી બીએનઓ અનુસાર વોશિંગ્ટન ડીસીમાં ભીષણ ગોળીબાર થયો છે. આ ઘટના રાત્રે લગભગ 9.15 વાગ્યે બની હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ હુમલામાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હોવાના અહેવાલ છે. હુમલામાં માર્યા ગયેલા બંને લોકો ઇઝરાયલી રાજદ્વારી હતા.
https://x.com/Sec_Noem/status/1925390666441314737
હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. અમે આની સક્રિય તપાસ કરી રહ્યા છીએ અને જેમ જેમ અમને ખબર પડશે તેમ તેમ વધુ માહિતી શેર કરીશું. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે હત્યારાઓને ન્યાયના કઠેડામાં લાવીશું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરે ગોળીબાર કરતા પહેલા "ફ્રી પેલેસ્ટાઇન" ના નારા લગાવ્યા હતા. હુમલાખોર હાલમાં ફરાર છે. એફબીઆઈનું જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ આ મામલાની તપાસ કરી રહ્યું છે. ઇઝરાયેલના યુએન રાજદૂત ડેની ડેનને આ ઘટનાને "યહૂદી વિરોધી આતંકવાદનું જઘન્ય કૃત્ય" ગણાવ્યું અને કહ્યું કે તે રાજદ્વારીઓ અને યહૂદી સમુદાય પર હુમલો છે. તેમણે યુએસ અધિકારીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ગુના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.