અમેરિકામાં રાકેશ રાજદેવના ઘર ઉપર ગોળીબાર, હકિકત કે ફેક ન્યૂઝ?
ગેંગસ્ટર નવીન બોકસરે સોશિયલ મીડિયામાં ગોળીબારની કબુલાત કરતી પોસ્ટ મૂકી, બે શુટરના નામ પણ લખ્યા
મહાદેવ બૂકવાળા બૂકી સૌરવ મહાકાલ અને રાકેશ રાજદેવ પાકિસ્તાનને ફંડ આપતા હોવાનો આરોપ
રાજકોટના વતની અને આંતરરાષ્ટ્રીય સટ્ટા કિંગ મનાતા રાકેશ રાજદેવ ઉર્ફે આર. આર.ના અમેરિકાના કેલિફોર્નીયા ખાતેના નિવાસસ્થાન ઉપર ગોળીબાર કર્યાની કુખ્યાત રોહિત ગોદારા ગેંગે કબુલાત આપી સામેથી જવાબદારી સ્વીકારતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
જોકે રોહિત ગોદારા ગેંગ દ્વારા ઇરાદાપુર્વક આ ખોટા ન્યુઝ ફેલાવાયા હોવાનુ રાકેશ રાજદેવનાં નજીકના સુત્રોએ જણાવ્યુ હતુ. સોશ્યલ મીડિયા પર ગોદારા ગેંગના નવીન બોકસરે કરેલી પોસ્ટને લોકોને તથા એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે કરવામા આવી હોવાનું જણાવાયુ છે.
રોહિત ગોદારા ગેંગના ગેંગસ્ટર નવીન બોકસરે સોશિયલ મીડીયા એકાઉન્ટ ઉપર પોસ્ટ મુકી મહાદેવ એપના માસ્ટર માઇન્ડ સૌરવ મહાકાલના નજીકના સહયોગી રાકેશ રાજદેવના નિવાસસ્થાને ફાયરીંગ કર્યાનો દાવો કરી લખ્યું છે કે, પાકિસ્તાનને ફંડીંગ આપનારાઓને નિશાન બનાવવામાં આવશે.
રોહિત ગોદારા ગેંગ સાથે સંકળાયેલા નવીન બોક્સર નામના એકાઉન્ટ પરથી એક લાંબી પોસ્ટ બહાર પાડવામાં આવી હતી. તેમાં લખ્યું હતું, હું મહેન્દ્ર ડેલાના, રાહુલ રીનાઉ છું. કેલિફોર્નિયામાં રાકેશ રાજદેવ (આરઆર) ના ઘરે થયેલા ગોળીબારની અમે જવાબદારી સ્વીકારીએ છીએ. પોસ્ટમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે મહાદેવ બુક ચલાવતા રાકેશ રાજદેવ અને સૌરવ પાકિસ્તાન અને આઈએસઆઈને ફંડ આપે છે. ગેંગે ચેતવણી આપી હતી કે આ દેશ સામે રાજદ્રોહ છે અને જે કોઈ પાકિસ્તાનને ફંડ આપશે તેને તેમનો દુશ્મન માનવામાં આવશે.
તેમની કથિત કબૂલાતમાં, મહેન્દ્ર ડેલાના અને રાહુલ રિનાઉ તરીકે ઓળખાવતા બે માણસોએ કહ્યું, અમે કેલિફોર્નિયામાં રાકેશ રાજદેવના ઘરે ગોળીબારની જવાબદારી લઈએ છીએ. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મહાદેવ બુક (કૌભાંડગ્રસ્ત ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ) ચલાવતો સૌરવ અને રાકેશ રાજદેવ, જે પોતાને એક મુખ્ય બુકી માને છે, પાકિસ્તાનને ફંડ આપી રહ્યા છે.
આ સંદેશમાં સમાન પ્રવૃત્તિઓના આરોપી અન્ય લોકોને ધમકીઓ અને ચેતવણીઓ આપવામાં આવી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે એજન્ટોનું એક નેટવર્ક પાકિસ્તાનના હિતોને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરી રહ્યું છે. સંદેશામાન જણાવાયું છે કે સમયસર તમારો રસ્તો સુધારી લો, નહીંતર પરિણામો ગંભીર આવશે. જો તમે તમારા પોતાના દેશ પ્રત્યે વફાદાર ન રહી શકો, તો તમે કોને વફાદાર રહેશો? પાકિસ્તાનને ભંડોળ પૂરું પાડનાર કોઈપણ બુકી આપણો દુશ્મન હશે. અને સૌરવ, અમે જાણીએ છીએ કે તમે દુબઈમાં દાઉદ ઇબ્રાહિમના ભાઈને મળ્યા હતા.
તમે દુબઈમાં તાજેતરની ઘટના જોઈ હશે. અમારા માટે, કોઈપણ દેશમાં કોઈને મારવું મુશ્કેલ નથી. તમે ગમે ત્યાં છુપાઈ જાઓ, અમે તમને શોધી કાઢીશું. દેશ સાથે દગો કરશો નહીં કે તેને વેચશો નહીં, નહીં તો અમે તમને એવી મૃત્યુ આપીશું જે તમારી પેઢીઓ યાદ રાખશે. આ તમારી છેલ્લી તક છે. આગલી વખતે, એક પણ નહીં હોય. આપણા અને દેશના બધા દુશ્મનોએ તૈયાર રહેવું જોઈએ.