USના બાલ્ટીમોરમાં કાર્ગોશીપ અથડાતાં નદી પરનો બ્રિજ ધડામ દઇને તૂટી પડ્યો, અનેક ગાડીઓ નદીમાં ખાબકી, જુઓ વિડીયો
બાલ્ટીમોરનો સૌથી લાંબો ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ આજે સવારે મોટા માલવાહક જહાજ સાથે અથડાયા બાદ પાણીમાં પડી ગયો હતો. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે અમેરિકાના સમય પ્રમાણે રાત્રે લગભગ અઢી વાગ્યે શિપ અથડાવાથી બ્રિજ ધરાશાયી થયો. તે પછી તેમાં આગ લાગી ગઈ અને શિપ ડૂબી ગયું હતું અહેવાલો અનુસાર, પુલ તૂટી પડતા પહેલા આગ લાગી હતી અને ઘણા વાહનો નીચે પાણીમાં પડી ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે બ્રિજ ધરાશાયી થયા બાદ તેઓ લગભગ 7 લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્રિજ ધરાશાયી થવાને કારણે તેના પર ચાલી રહેલી ડઝનેક ગાડીઓ નદીમાં ખાબકી હતી. જ્યારે પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર સાત જેટલા બાંધકામ કામદારો અને ત્રણથી ચાર નાગરિક વાહનો હાજર હતા. મોટા પાયે જાનહાનિ થયાની માહિતી સામે આવી છે. ઘટના બાદ બ્રિજને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ સુરક્ષાના કારણોસર બંને દિશામાંની તમામ રસ્તા બંધ કરી દીધી છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઈજાઓ અને જાનહાનિ વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર સિંગાપોરના ધ્વજવાળા આ જહાજનું નામ 'ડાલી' છે અને તે શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. આ જહાજ 948 ફૂટ લાંબુ હતું. ફ્રાન્સિસ કી બ્રિજ 1977 માં પટાપ્સકો નદી પર બનાવવામાં આવ્યો હતો. તેનું નામ અમેરિકાનું રાષ્ટ્રગીત લખનાર ફ્રાન્સિસ સ્કોટ કીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
ડાલી જહાજની માલિકી ધરાવતી કંપનીએ કહ્યું કે જહાજ પર હાજર બે પાયલટ સહિત બધા જ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. તેઓ ઘાયલ થયા નથી. જહાજ અને પુલ વચ્ચે અથડામણનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જહાજના માલિક અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.