બાંગ્લાદેશને ભડકે બળતો મૂકી શેખ હસીના ભારત ફરાર
વડાપ્રધાન આવાસ ઉપર પ્રદર્શનકારીઓનો કબજો, સત્તાનું સુકાન સંભાળી લેવા સેનાની જાહેરાત, મોટી રાજકીય અંધાધૂંધીના એંધાણ
બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે ફાટી નીકળેલી નવી હિંસામાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવતા બાંગ્લાદેશમાં ભારે રાજકીય અંધાધુંધી ફેલાઇ જવા પામી છે અને પ્રદર્શનકારીઓ વડાપ્રધાન ભવનમાં ઘુસી જતા વડાપ્રધાન શેખ હસીના તેના બહેન સાથે હેલીકોપ્ટરમાં દેશ છોડી ભાગી છુટયાના અહેવાલો મળી રહ્યા છે. ઢાંકાથી નાશેલા શેખ હસીના ભારતના અગ્ગરતલ્લામાં ભાગી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. ભયાનક તોફાનોના પગલે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું પણ આપી દીધાના અહેવાલો મળી રહ્યા છે. રાજીનામુ આપ્યા બાદ શેખ હસીના એક વીડીયો મેસેજ આપવા માંગતા હતા પરંતુ તોફાનીઓ ઢાંકાના વડાપ્રધાન હાઉસમાં ઘુસી જતા શેખ હસીનાને મેસેજ રેકોર્ડ કરવાનો મોકો પણ મળ્યો ન હતો અને તાબડતોબ તેમણે દેશ છોડી દીધો હતો.
આ બાદ બાંગ્લાદેશની સેનાએ સત્તાના સુકાન સંભાળી લેવાની જાહેરાત કરી હતી.આ બારામાં આજે સાંજ સુધીમાં લશ્કર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે. હાલ બાંગ્લાદેશ રાજકીય અરાજકતામાં ધકેલાઇ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારતના મિત્ર અને પડોશી દેશમાં રાજકીય અસ્થિરતા સર્જાતા ભારત સરકાર પણ સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહેલ છે.
બાંગ્લાદેશમાં નવેસરથી ફાટી નિકળેલા તોફાનોમાં 100થી વધુ લોકોના મોત નિપજયા હતા. જયારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવાયો છે.
સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના દેખાવો રવિવારે ફરી હિંસક બન્યા હતા. દેખાવકારોનું કહેવું છે કે હવે તેમની એકમાત્ર માંગ પીએમ શેખ હસીનાનું રાજીનામું છે. બાંગ્લાદેશના અગ્રણી અખબાર પ્રથમ આલોએ કહ્યું કે દેશભરમાં અથડામણ, ગોળીબાર અને જવાબી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા. પોલીસ હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર દેશભરમાં 14 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. જેમાંથી 13ના મોત સિરાજગંજના ઇનાયતપુરના આ જ પોલીસ સ્ટેશનમાં થયા હતા. લગભગ 300 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
ભારત સરકાર એલર્ટ : બાંગ્લાદેશ સરહદ સીલ
બાંગ્લાદેશમાં સર્જાયેલી રાજકીય અસ્થિરતાના પગલે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારત તરફ નાશી છુટતા ભારત સરકાર એલર્ટ બની છે અને બાંગ્લાદેશ સરહદ તાબડતોબ સીલ કરી દીધી છે. બાંગ્લાદેશમાંથી ઘુસણખોરો ભારતમાં ઘુસે નહીં તે માટે આ પગલું લેવાયું છે. આ ઉપરાંત્ત બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો માટે પણ એલર્ટ જાહેર કરી ભારતીઓને બાંગ્લાદેશ દૂતાવાસના સંપર્કમાં રહેવા અપીલ કરી છે તેમજ ભારતીઓને બાંગ્લાદેશનો પ્રવાસ નહીં કરવા સલાહ આપી છે. બાંગ્લાદેશ ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર +88-01313076402 પર સંપર્ક સાધવા અપીલ કરી છે.