પાક.માં ગઠબંધન સરકાર રચવા શરીફની પહેલ
પાકિસ્તાનમાં ચુંટણી પરિણામોને લઇ સ્થિતિ સ્પષ્ટ થઇ છે. કુલ 266 પૈકી જાહેર થયેલા 250 બેઠકોના પરિણામોની પુર્વ પીએમ ઇમરાનખાન સમર્થિત 99 અપક્ષો જીત્યા છે. જયારે નવાઝ શરીફની મુસ્લિમ લીગને 71 અને બિલાવલ ભુટ્ટોની પીપલ્સ પાર્ટીને 53 બેઠકો મળી છે. અન્યોને ફાળે 27 બેઠકો ગઇ છે. પંદર બેઠકોનું પરિણામ બાકી છે. બહુમતી માટે જરૂરી 133 બેઠકો કોઇપણ જીતી શકયુ નથી. તે જોતા ગઠબંધન સરકાર નિશ્ચિત છે.
મતગણતી વખતે નવાઝ શરીફે જણાવ્યું કે તે સરકાર બનાવવા જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે અમને જનાદેશ મળ્યો છે. તે જેતા અમે અન્ય પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ. સાથે બેસીને દેશને વમણમાંથી બહાર કાઢવાની અમારી ફરજ છે.
ઈમરાન ખાને અઈં આધારિત અવાજ સાથે વિજય ભાષણનો વીડિયો જાહેર કર્યો છે. આમાં તેમણે કહ્યું કે લોકોએ તેમના મત આપીને વાસ્તવિક સ્વતંત્રતાનો પાયો નાખ્યો છે અને હું 2024ની સામાન્ય ચૂંટણીમાં જીત માટે બધાને અભિનંદન આપું છું. મને તમારામાં પૂરો વિશ્વાસ હતો કે તમે બધા મતદાન કરવા આવશો અને તમે મારા વિશ્વાસનું સન્માન કર્યું છે. તમારા જંગી મતદાનથી બધાને આશ્ચર્ય થયું છે, તમારા કારણે લંડન પ્લાન નિષ્ફળ ગયો છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગે સૌથી વધુ બેઠકો જીતનાર પક્ષ તરીકે વિજય જાહેર કર્યો. શરીફે લાહોરમાં પાર્ટી કાર્યાલયમાં કહ્યું કે અમારી પાસે સરકાર જાતે ચલાવવા માટે બહુમતી નથી. તેથી અમે અન્ય પક્ષો અને ઉમેદવારોને અમારી સાથે કામ કરવા આમંત્રણ આપીએ છીએ.
પાકિસ્તાનમાં પરિણામ જાહેર કરવામાં વિલંબને કારણે સૈન્ય સંસ્થાઓ પર હેરાફેરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. શાંગલામાં વિરોધ પ્રદર્શન દરમિયાન શુક્રવારે પીટીઆઈના બે સમર્થકો માર્યા ગયા હતા. , 20 થી વધુ ઘાયલ થયા હતા. પરિણામોમાં કથિત ગોટાળાના આક્ષેપો સામે પેશાવર અને ક્વેટામાં પણ દેખાવો યોજાયા હતા. પેશાવરમાં લગભગ 2000 પીટીઆઈ સમર્થકોએ ભાગ લીધો હતો.