બિલીમોરાના શકીલ મુલાન બ્રિટનના વિદેશ મંત્રાલયમાં ડેપ્યુટી મીનીસ્ટ બન્યા
ભારત પાસેથી એશિયન સમુદાયને મદદ અપાવવામાં મહત્વની ભુમીકા ભજવી હતી
ઈંગ્લેન્ડ સરકારે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વેપાર વધુ મજબૂત બનાવવા માટે બ્રિટનના વિદેશ મંત્રાલયમાં નાયબ વડા તરીકે શકીલ મુલાને નિમણૂક કરાયા છે. કોરોનાકાળ દરમિયાન બ્રિટિશ એશિયન સમુદાય તરફથી ભારત પાસેથી મદદ મેળવવામાં શકીલ મુલાને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સંસ્કાર અને સંસ્કૃતિના પ્રકાશમાં સેવામાર્ગ ઉપર ચાલી ભારત-યુકેના મજબૂત સંબંધો માટે તેમને અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
શકીલ મુલાનનો જન્મ બર્મિંગહામમાં થયો હતો. જો કે, તેમનું પૈતૃક ઘર દક્ષિણ ગુજરાતમાં બિલીમોરા નજીક ગણદેવી તાલુકાના અલિપોર ગામમાં છે. શકીલ મુલાનના માતા ચીખલી નજીકના અલિપોર ગામનાં મૂળવતની છે. તેમ જ શકીલ મૂલાનના પત્ની બિલીમોરાનાં વતની છે. પરદેશમાં ઉછેર થયો હોવા છતાં સ્વદેશની માટીથી દૂર નહીં રહી શકનારા શકીલ અવારનવાર ભારત આવે છે. વતનની મુલાકાત લેતા હોવાથી ભારતીય સંસ્કૃતિ સાથેના જોડાણને વધુ મજબૂત બનાવે છે.
શકીલ મૂલાન ગત વર્ષે ગણદેવીના તેમના ઘર અને વાડીની મુલાકાત લીધી હતી. બ્રિટન ગર્વન્મેન્ટમાં તેઓ વિતેલા 17 વર્ષથી સરકારી સેવામાં ફરજ બજાવે છે. વર્ષ 2016થી 2020 દરમિયાન તેમણે ભારતની બ્રિટન એમ્બેસીમાં વીઝા વિભાગના સિનિયર ઓફિસર તરીકે કામ કર્યું હતું. ખાસ કરીને કોરોના દરમિયાન બ્રિટિશ એશિયન સમુદાય તરફથી ભારતની મદદ મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ભારત બાદ બેજિંગમાં અને ત્યારબાદ લંડનમાં ફોરેન મિનિસ્ટ્રીમાં એન્ટી કરપ્શન વિભાગમાં ફરજ બજાવી હતી. તેમની ઉત્કૃષ્ટ કામગીરી જોઈ ઈંગ્લેન્ડ ગર્વન્મેન્ટે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અને બંને દેશો વચ્ચે વેપાર વધારવા હવે તેમની ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેંટ આફિસમાં નાયબ વડા તરીકે નિમણૂક કરી છે. તેઓ માને છે કે, ભારત અને યુકે વચ્ચેનો સારો સંબંધ બંને દેશોને માટે જરૂરી છે.