ઈંગ્લેન્ડને ઝટકો, સ્પિનર જેક લીચના કાલની ટેસ્ટમાં રમવા સામે સવાલ
પ્રથમ ટેસ્ટ દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા પહોંચી હતી
ટીમ ઈન્ડિયા બાદ ઈંગ્લેન્ડની ટીમ માટે પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિશાખાપટ્ટનમની ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લેન્ડનો મોટો ખેલાડી બહાર થયો છે. અહેવાલ છે કે લેફ્ટ આર્મ સ્પિનર જેક લીચ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રમતા જોવા નહીં મળે. જો કે, હાલમાં આ અંગે સત્તાવાર કંઈ નથી. ભારત પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના સૌથી અનુભવી સ્પિનર જેક લીચને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ઘણી મુશ્કેલીમાં હતો. હવે તેના બીજી ટેસ્ટમાંથી બહાર હોવાની અટકળો ચાલી રહી છે કારણ કે તે વિશાખાપટ્ટનમમાં ટીમના બાકીના ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો ન હતો. જો જેક લીચ ભારત સામેની વિશાખાપટ્ટનમ ટેસ્ટમાંથી બહાર થઈ જશે તો ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમની ઈચ્છાઓ પર પણ પાણી ફરી વળશે.
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 4 સ્પિનરો સાથે જવાનો સંકેત આપ્યો હતો. પરંતુ, જો જેક લીચ બીજી ટેસ્ટમાંથી બહાર થઈ જશે તો 4 સ્પિનરો સાથે જવાની ઈંગ્લિશ કોચની યોજના બરબાદ થઈ શકે છે. મતલબ કે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 3 નિષ્ણાત સ્પિનરો સાથે વિઝાગ મેદાનમાં ઉતરી શકે છે. જેક લીચે ભારત સામે હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 26 ઓવર નાખી અને 63 રન આપ્યા અને રોહિત શર્માના રૂૂપમાં 1 વિકેટ લીધી. બીજી ઈનિંગમાં તેને ઈજા થઈ હતી, તેથી તે માત્ર 10 ઓવર જ ફેંકી શક્યો હતો, જેમાં તેણે 33 રન આપીને શ્રેયસ અય્યરના રૂૂપમાં 1 વિકેટ લીધી હતી.