લે બોલો, યુકેની મહિલા પોતાના ખરતા વાળનો સંગ્રહ કરે છે
30 હજાર વાળ ભેગા કર્યા, ટિકટોક પર વીડિયો બનાવી કમાણી શરૂ કરી
યુકેમાં રહેતી લિવ નામની મહિલાનો એક અજીબોગરીબ શોખ છે. લિવના વાળ 22.5 ઇંચ કમરથી નીચે સુધી લાંબા છે. તે દરરોજ વાળ ઓળે ત્યારે હેરબ્રશમાં ભેગા થતા ખરેલા વાળના ગુચ્છામાંથી એક-એક વાળ સાચવીને ભેગા કરે છે અને એનો ગણી-ગણીને હિસાબ નોટબુકમાં લખી રાખે છે. તે એક-એક વાળને જાળવીને સ્ટિકી-ટેપ પર ગોઠવીને લગાવે છે. અત્યાર સુધી તેણે લગભગ 30,000 જેટલા વાળ ભેગા કર્યા છે અને એક લાખ સુધી ભેગા કરવાની તેની ઇચ્છા છે.
લિવ રોજ પોતાના વાળ ગણે છે જે તેણે સાચવીને દીવાલ પર લટકાવ્યા છે. નવાઈની વાત એ પણ છે કે લિવનો આ શોખ તેને માટે આવકનું સાધન બની ગયો છે. આ શોખ વિશે લિવે ટિકટોક પર વિડિયો બનાવીને શેર કર્યો હતો અને એને 3.82 કરોડ લાઇક્સ મળી છે અને 4,47,000 જેટલા તેના ફોલોઅર્સ છે. લિવ દરરોજ ભેગા કરેલા પોતાના વાળ ઓળે છે. પોતાના વાળને ભેગા કરવાનો વિચાર તેને સોશ્યલ મીડિયા પર કોઈને વાળમાંથી વિગ બનાવતા જોઈને આવ્યો હતો. પોતાના વાળ ભેગા કરી એમાંથી વિગ બનાવવા માટે તેણે વાળ ભેગા કરવાની શરૂૂઆત કરી હતી. લિવ પોતાના આ વાળનું કલેક્શન વેકેશન દરમ્યાન પણ પોતાની સાથે લઈ જાય છે.