રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરશે, અમેરિકન અધિકારીઓના દાવાથી ફફડાટ
મહાસત્તા તરીકે રશિયાની સ્થિતિ હવે હચમચી રહી છે. રવિવારે પાંચ વાયુસેના મથકો પર થયેલા હુમલાઓ અને બેલાયા એરબેઝ પર યુક્રેનિયન હુમલાએ 40થી વધુ પરમાણુ-સક્ષમ બોમ્બરોને નષ્ટ કરી દીધા છે, જેનાથી યુદ્ધ રેડલાઈનની નજીક આવી ગયું છે. પરમાણુ-સક્ષમ સબમરીન સ્થિત મોટા રશિયન નૌકાદળ મથક પર હુમલાના સંકેતો મળી રહ્યા છે. આ હુમલાઓએ યુક્રેન પર રશિયન પરમાણુ હુમલાનું જોખમ વધારી દીધું છે.
પેરિસમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળ્યા બાદ, યુએસ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ અને ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર રિચાર્ડ બ્લુમેન્થલે એસોસિએટેડ પ્રેસ સાથેની વાતચીતમાં ભીષણ યુદ્ધની શક્યતા વ્યક્ત કરી હતી. બંને સેનેટરોએ કહ્યું કે, રાષ્ટ્રપતિ મેક્રોન પણ તેમના મંતવ્ય સાથે 100 ટકા સંમત છે.
નિષ્ણાતોના મતે, યુદ્ધવિરામ માટે વધતા યુએસ દબાણ વચ્ચે, રશિયા યુક્રેનની શક્ય તેટલી વધુ જમીન કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ એ છે કે વધુ જમીન કબજે કરવાથી રશિયા માટે વાટાઘાટોના ટેબલ પર સોદાબાજી કરવાનું સરળ બનશે. આ માટે, તેણે છેલ્લા ત્રણ અઠવાડિયામાં યુક્રેન પર સતત મોટા હુમલા કર્યા છે. પરંતુ રવિવારે યુક્રેનના વળતા હુમલાએ રશિયાની વ્યૂહરચના અને તેની સ્થિતિને ભારે ફટકો આપ્યો છે.
આ હુમલાની સફળતાથી યુક્રેનનું મનોબળ પણ વધ્યું છે, તેથી યુદ્ધ ભયંકર બનવાનું જોખમ પણ વધી ગયું છે. જો યુક્રેન નજીકના ભવિષ્યમાં ફરીથી આવું કંઈક કરવાની હિંમત કરે છે, તો રશિયા માટે મોટા હુમલાના પ્રતિભાવથી બચવું મુશ્કેલ બનશે. આ પમોટો હુમલોથ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ હોઈ શકે છે, જેમાંથી રશિયા પાસે સૌથી વધુ ભંડાર છે.
સેનેટર ગ્રેહામ લિન્ડસેએ કહ્યું કે, તેમની પાસે રહેલી માહિતી પરથી એવું લાગે છે કે પુતિન મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. આ સમય ફક્ત રશિયન રાષ્ટ્રપતિ પુતિન માટે જ મુશ્કેલ નથી પણ વિશ્વ માટે પણ મુશ્કેલ હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, યુરોપિયન યુનિયન અને બ્રિટન દ્વારા તાજેતરમાં રશિયા પર લાદવામાં આવેલા નવા પ્રતિબંધોને કારણે પુતિન પર દબાણ પણ વધ્યું છે. જો અમેરિકા પણ આ પ્રતિબંધોમાં જોડાય છે, તો રશિયાની સમસ્યાઓ ચોક્કસ વધશે.