રશિયાને હાથ લાગ્યો સાઉદી કરતાં પણ મોટો ઓઇલ ભંડાર: હવે નવા યુદ્ધના ભણકારા
એન્ટાર્કટિકાના વેડેલ સમુદ્રમાંથી 511 અબજ બેરલ તેલ મળતા પશ્ર્ચિમી દેશોને ફાળ
વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર સામે આવ્યા છે. રશિયન વૈજ્ઞાનિકોએ એન્ટાર્કટિકાના વેડેલ સમુદ્ર નીચે 511 અબજ બેરલ તેલના વિશાળ ભંડારની શોધનો દાવો કર્યો છે. જો આ દાવો સાચો ઠરે, તો તે માત્ર સાઉદી અરેબિયાના જાણીતા તેલ ભંડાર કરતાં લગભગ બમણો જ નહીં, પરંતુ વિશ્વના અત્યાર સુધીના તમામ શોધી કઢાયેલા ભંડારોમાં સૌથી મોટો હશે.
અહેવાલો અનુસાર, આ જથ્થો છેલ્લા 50 વર્ષમાં ઉત્તર સમુદ્રના કુલ ઉત્પાદન કરતાં પણ 10 ગણો વધારે છે, જે વૈશ્વિક ઊર્જા સુરક્ષા અને ભૂરાજકીય સંતુલન પર ગહન અસર કરી શકે છે. આ વિશાળ તેલ ભંડાર એન્ટાર્કટિકાના બ્રિટિશ પ્રદેશ હેઠળ આવતા વેડેલ સમુદ્ર માં આવેલો છે. આ વિસ્તાર પર યુનાઇટેડ કિંગડમ ઉપરાંત આર્જેન્ટિના અને ચિલી જેવા દેશો પણ પ્રાદેશિક દાવાઓ ધરાવે છે. રશિયાની આ નવી તેલ શોધે આ પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી ભૂરાજકીય જટિલતાઓને વધુ ઘેરી બનાવી છે.
1959 માં હસ્તાક્ષર કરાયેલ એન્ટાર્કટિક સંધિ એક ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય કરાર છે, જે એન્ટાર્કટિકા ખંડને શાંતિપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન માટે સુરક્ષિત રાખે છે. આ સંધિ લશ્કરી પ્રવૃત્તિઓ અને સંસાધનોના શોષણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે, અને કોઈપણ દેશને તેના પ્રાદેશિક દાવાને પ્રોત્સાહન આપવા દેતી નથી. જોકે, રશિયાની તાજેતરની પ્રવૃત્તિઓ આ સંધિની ભાવના વિરુદ્ધ માનવામાં આવે છે.
નિષ્ણાતો માને છે કે જો વૈજ્ઞાનિક શોધના બહાને ઊર્જા સંસાધનો શોધવામાં આવી રહ્યા છે, તો તે સંધિનું પરોક્ષ ઉલ્લંઘન છે.આ તેલની શોધ એવા સમયે થઈ છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેનો તણાવ પહેલાથી જ ચરમસીમાએ છે. પશ્ચિમી દેશોને ભય છે કે રશિયા ઊર્જા સુરક્ષા અને વ્યૂહાત્મક પ્રભુત્વ માટે એન્ટાર્કટિકાનો ઉપયોગ કરી શકે છે. આ શોધે નાટો અને યુએસ વ્યૂહરચનાકારોને ચિંતામાં મૂક્યા છે કે એન્ટાર્કટિકા હવે ભવિષ્યના સંઘર્ષનું નવું કેન્દ્ર બની શકે છે.
આ ઉપરાંત, એન્ટાર્કટિકામાં ચીનની વધતી જતી હાજરી પણ ચિંતાનો વિષય છે. ચીન પહેલાથી જ અહીં 5 વૈજ્ઞાનિક સંશોધન મથકો સ્થાપી ચૂક્યું છે, અને તેની વધતી જતી વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક પ્રવૃત્તિઓ પશ્ચિમને અસ્વસ્થ કરી રહી છે.