રશિયા-ચીન ચંદ્ર ઉપર ન્યુક્લિયર પાવર પ્લાનટ બનાવશે, ભારત પણ જોડાવા તૈયાર
રશિયા ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા જઈ રહ્યું છે. મહત્વની બાબત એ છે કે ભારત આ પ્રોજેક્ટમાં રશિયા સાથે હાથ મિલાવવા માટે તૈયાર છે. રશિયાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ભારતે ઊંડો રસ દાખવ્યો છે. આ રશિયન પ્રોજેક્ટનો હેતુ ચંદ્ર પર બનાવવામાં આવેલા બેઝને ઉર્જા પહોંચાડવાનો છે. ચીન પણ તેમાં સામેલ થવા આતુર છે.
રશિયાની સ્ટેટ ન્યુક્લિયર કોર્પોરેશન રોસાટોમ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહી છે. ચંદ્ર પર બનાવવામાં આવનાર આ પ્રથમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અડધા મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે અને આ વીજળી ચંદ્ર પર બનેલા બેઝ પર મોકલવામાં આવશે.
રશિયાની સરકારી સમાચાર એજન્સી TASS અનુસાર, Rosatomના ચીફ એલેક્સી લિખાચેવે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે સાથે ચીન અને ભારતે પણ આ પ્રોજેક્ટમાં પોતાનો રસ દાખવ્યો છે. રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસે જાહેરાત કરી છે કે ચંદ્ર પર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રશિયા અને ચીન આના પર સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. 2036 સુધીમાં તે ચંદ્ર પર સ્થાપિત થઈ જશે. ચંદ્ર પર બનાવવામાં આવનાર રશિયાનો પહેલો પરમાણુ પ્લાન્ટ પણ ભારત માટે ખાસ છે.
ભારત 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મોકલવાની યોજના છે. આવી સ્થિતિમાં આ પ્લાન્ટ ત્યાંની ઉર્જાની જરૂૂરિયાતો પૂરી કરી શકે છે. રશિયા અને ચીને સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન સ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટેશન 2035 થી 2045 ની વચ્ચે ગમે ત્યારે શરૂૂ થઈ શકે છે. આ સ્ટેશનનો હેતુ વૈજ્ઞાનિક સંશોધન કરવાનો છે. મોટાભાગના દેશો તેનો ઉપયોગ કરી શકશે. પરંતુ શક્ય છે કે અમેરિકાના કેટલાક સહયોગીઓને તેનો લાભ ન મળે. આવી સ્થિતિમાં ભારત રશિયાનો સહયોગી હોવાથી તેનો ફાયદો ઉઠાવી શકે છે. ભારતે 2050 સુધીમાં ચંદ્રમાં બેઝ બનાવવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે.