બંધકોને છોડો નહીં તો બરબાદ થઇ જશો; હમાસને ટ્રમ્પની ચેતવણી
યુધ્ધવિરામ શરતોના ભંગનો ઇઝરાયલ સામે આક્ષેપ કરી હમાસે બંધકો છોડવાનું બંધ કરતા જગત જમાદારે ખીજાઇને શનિવાર બપોરની મુદત આપી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ગાઝામાંથી તમામ બંધકોને મુક્ત કરવા અલ્ટીમેટમ આપ્યું છે. આ માટે તેમણે કડક ચેતવણી આપી હતી કે શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં તમામ બંધકોને ગાઝામાંથી મુક્ત કરવામાં આવે, નહીં તો પરિણામ ભોગવવા પડશે. તેમણે કહ્યું કે આમ ન કરવાથી ખૂબ જ ખરાબ પરિણામ આવી શકે છે. જે આખી દુનિયા જોશે. આ સાથે તેમણે યુદ્ધવિરામ કરારને ખતમ કરવાની વાત પણ કરી છે.
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો બાકીના બંધકોને છોડવામાં નહીં આવે તો બધું બરબાદ થઈ જશે. ટ્રમ્પે કહ્યું કે બાકીના તમામ બંધકોને મુક્ત કરવામાં આવે. અમે તે બધા પાછા ઈચ્છીએ છીએ.
ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ, છેલ્લા ત્રણ અઠવાડિયાથી દર શનિવારે અટકાયતીઓ અને કેદીઓને મુક્ત કરવામાં આવે છે. આ શનિવારે પણ દરેકને આવી જ અપેક્ષાઓ હતી. જે કેદીઓને છોડાવવાના હતા તેમના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ તેમને છોડવામાં આવ્યા ન હતા. જે બાદ ત્યાં પહોંચેલા લોકોએ વિરોધ કર્યો હતો. આ સાથે તેલ અવીવને ઘેરી લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હમાસે પેલેસ્ટાઇનીયો પર હુમલા અને માનવતાવાદી સહાય અવરોધવા સહીત ઇઝરાયેલ યુધ્ધવિરામની શરતોનું ભંગ કરી રહ્યાનું જણાવી બંધકોની મુક્તિ બેમુદત સ્થગીત કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો બંધકોને છોડવામાં નહીં આવે તો હમાસને પરિણામ ભોગવવા પડશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી મારો સંબંધ છે, જો શનિવારે 12 વાગ્યા સુધીમાં તમામ બંધકો પરત નહીં આવે, તો મને લાગે છે કે આ યોગ્ય સમય છે જ્યારે કરારને રદ કરવો જોઈએ.
આ દરમિયાન એક સવાલના જવાબમાં તેણે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન સામે કડક કાર્યવાહી કરવાનો સંકેત પણ આપ્યો હતો. તે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે 15 મહિનાના વિનાશક યુદ્ધ પછી 19 જાન્યુઆરીએ અમલમાં આવ્યું હતું. યુદ્ધવિરામ હેઠળ, 21 બંધકો - 16 ઇઝરાઇલી અને પાંચ થાઇ - ઇઝરાયેલી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. બદલામાં ગાઝામાંથી સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. ગાઝામાં 70થી વધુ બંધકો હજુ પણ છે.
જોર્ડન, ઇજિપ્તને સહાય રોકાશે
ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પણ કહ્યું કે જો જોર્ડન અને ઇજિપ્ત ગાઝામાં પેલેસ્ટિનિયન શરણાર્થીઓને સ્વીકારવાનો ઇનકાર કરે તો તેઓ તેમની મદદ રોકી શકે છે. દિવસની શરૂૂઆતમાં તેણે કહ્યું હતું કે પેલેસ્ટિનિયનોને તેમની યુએસ-આગેવાની હેઠળની સૂચિત જોડાણ યોજના હેઠળ ગાઝા પાછા ફરવાનો અધિકાર નથી.