બંધકોની મુક્તિ, હમાસ હથિયાર હેઠા મૂકે તો યુદ્ધનો કાલે અંત, ઇઝરાયલના PMની ઓફર
હમાસના નેતા સિનવારને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગાઝાના લોકોને સંબોધન
ઇઝરાયલ અત્યાર સુધી હમાસ અને હિઝબુલ્લાહના ટોચના નેતાઓને ખતમ કરી ચૂક્યું છે. ગાઝા પટ્ટીમાં હમાસની કમર સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તેના છેલ્લા મોટા નેતા યાહ્યા સિનવાર પણ ગુરુવારે બે સાથીઓ સાથે ઇઝરાયલના હુમલાનો શિકાર બની ગયા. આ વાતની પુષ્ટિ ખુદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કરી છે. સિનવારના મૃત્યુ બાદ નેતન્યાહુએ મોટી ઓફર કરી છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ ગાઝાના લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન નેતન્યાહુએ કહ્યું કે જો હમાસ ઇઝરાયલના બંધકોને પરત કરવા અને તેમના હથિયારો હેઠાં મૂકવા માટે સંમત થાય છે, તો આવતીકાલે યુદ્ધ ખતમ થઈ જશે. હવે જોવાનું એ રહે છે કે હમાસ બેન્જામિન નેતન્યાહુના પ્રસ્તાવને સ્વીકારે છે કે કેમ?
બેન્જામિન નેતન્યાહુએ પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક વીડિયો મેસેજમાં કહ્યું કે યાહ્યા સિનવાર મરી ચુક્યો છે. બહાદુર ઇઝરાયલ સૈનિકોએ તેને રફાહમાં મારી નાખ્યો છે. જો કે, આ ગાઝામાં યુદ્ધનો અંત નથી. પરંતુ આ શરૂૂઆત જરૂૂર છે. ગાઝાના લોકોને મારો સીધો સંદેશ એ છે કે યુદ્ધ કાલે ખતમ થઈ શકે છે, પરંતુ તે ત્યારે જ ખતમ થશે જો હમાસ તેના હથિયારો નાંખી દે. ઇઝરાયલ બંધકોને પરત કરે.
નેતન્યાહુએ માહિતી આપી છે કે હમાસે ગાઝામાં 101 લોકોને બંધક બનાવ્યા છે. જેમાં ઇઝરાયલ સહિત 23 દેશોના નાગરિકો સામેલ છે. ઇઝરાયલ તે તમામને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયલ બંધકોને પરત કરનારાઓની સુરક્ષાની ખાતરી આપે છે. નેતન્યાહુએ બંધકોને પકડી રાખનારાઓને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ સતત તેનો પીછો કરી રહ્યું છે.
બંધકોને નુકસાન પહોંચાડનારાઓને ઇઝરાયલ ચોક્કસપણે શોધી કાઢશે. નેતન્યાહુએ કહ્યું કે ઈરાન દ્વારા સમર્થિત આતંકવાદની ધરી આપણી નજર સામે તૂટી રહી છે.ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વધુમાં કહ્યું કે નસરાલ્લાહ ચાલ્યા ગયા. મોહસીનનું મોત થયું. હાનિયા, દીફ અને સિનવાર ઠાર થઈ ચુક્યા છે. ઈરાને પોતાના અને સીરિયા, લેબનોન અને યમનના લોકો પર જે આતંકનું રાજ થોપ્યું છે, તે ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે જે લોકો મિડલ ઇસ્ટમાં શાંતિ અને સારું ભવિષ્ય ઈચ્છે છે તેમણે એક થવું જોઈએ.