સુરક્ષાની ગેરંટી, નાટોનું સભ્યપદ મળે તો પ્રમુખપદ છોડવા તૈયાર
યુરોપ પહોંચ્યા બાદ ઝેલેન્સ્કીના તેવર બદલાયા
યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ અમેરિકા પછી યુરોપની મુલાકાત લીધી હતી. યુરોપમાં થયેલી બેઠક બાદ તેમનું અમેરિકા પ્રત્યેનું વલણ નરમ પડતું જણાય છે. તેમણે રવિવારે કહ્યું કે હું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધો સુધારવા તૈયાર છું, પરંતુ વાતચીત બંધ દરવાજા પાછળ થવી જોઈએ. જો અમને સુરક્ષાની ગેરંટી મળે અને યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો હું યુક્રેન પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું.
વોલોદીમિર ઝેલેન્સકીએ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા સાથેના શાંતિ કરારમાં યુક્રેન પોતાનો પ્રદેશ છોડશે નહીં. આ ઉપરાંત તે અમેરિકા સાથે ખનિજ સોદો કરવા માટે પણ તૈયાર છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, અમે ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છીએ અને આ સુરક્ષા ગેરંટી તરફનું પહેલું પગલું હશે.
જોકે આ પૂરતું નથી અને અમને ઘણું બધું જોઈએ છે. સુરક્ષા ગેરંટી વિના યુદ્ધવિરામ યુક્રેન માટે ખતરનાક છે. અમે ત્રણ વર્ષથી લડી રહ્યા છીએ અને યુક્રેનિયન લોકોને જાણવાની જરૂૂર છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અમારી પડખે છે.