અમેરિકામાં રેપિસ્ટ અને હત્યારાઓને મોકલાયા, ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પર ગંભીર આરોપ
કમલા હેરિસ ભારતીય મૂળના હોવાથી ભારત નિશાના પર
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના તમામ દેશો પર પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે દક્ષિણ અમેરિકા, એશિયા, આફ્રિકા અને મિડલ ઈસ્ટના દેશોથી અમેરિકામાં ગુનેગાર, રેપિસ્ટ, ગુનેગાર ગેંગના સભ્યો અને માનસિક રીતે બિમાર લોકોને અમેરિકા મોકલવામાં આવી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનું સીધું નામ લીધું નથી પરંતુ કમલા હેરિસ પર નિશાન સાધતાં તેઓ ભારત તરફ પણ ઈશારો કરે છે. કમલા હેરિસ ભારતીય મૂળના છે તેથી ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ એશિયાને પણ આ લિસ્ટમાં સામેલ કર્યું છે.
પોતાના પ્રતિદ્વંદી કમલા હેરિસ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે ઈમિગ્રેશનને લઈને તેઓ જે રીતે વિચાર મૂકે છે તે અમેરિકા માટે જોખમી છે. જો તેઓ રાષ્ટ્રપતિ બન્યાં તો દેશને તબાહ કરી દેશે. તેમણે કહ્યું કે તે અમેરિકાને નરક બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. સર્વેમાં કમલા હેરિસથી પાછળ રહ્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ નિશાન સાધવાનું શરૂૂ કરી દીધું છે. તેમણે ગેરકાયદેસર ઈમિગ્રેશનને મુદ્દો બનાવવાનું શરૂૂ કર્યું છે. આ પહેલા તેઓ સેન્ટ્રલ અને સાઉથ અમેરિકા પર પણ વધુ બોલી રહ્યાં હતાં.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલા અને અલ સાલ્વાડોરમાં જેલ અને મેન્ટલ હોસ્પિટલને ખાલી કરવામાં આવી રહી છે અને તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામાં આવી રહ્યાં છે. તેનાથી તેમના દેશોમાં ગુના ઓછા જોવા મળી રહ્યાં છે. અમેરિકામાં ગુના વધી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને લઈને ઘણાં રાજદ્વારીઓએ વાંધો વ્યક્ત કર્યો છે. ફેક્ટ ચેકર્સનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ પુરાવા વિના પાયાવિહોણા દાવા કર્યાં છે. એક તરફ કહેવામાં આવ્યું છે કે આ રીતે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને અવગણી શકાય નહીં. તેમના દાવા સાથે જોડાયેલું સત્ય સામે લાવવામાં આવશે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બહારથી આવતાં લોકોનો ક્રાઈમ રેટ અમેરિકામાં જન્મ લેનાર લોકો કરતાં ઓછો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રકારના દાવા કમલા હેરિસ પર નિશાન સાધવા માટે કરવામાં આવી રહ્યાં છે. કમલા હેરિસ ભારતીય મૂળના છે અને તેઓ અશ્વેત મહિલા છે.દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ આફ્રિકી અને દક્ષિણ એશિયાઈ દેશોથી કથિત ગેરકાયદેસર ઈમિગ્રેશનને મુદ્દો બનાવી રહ્યાં છે. જોકે ડેમોક્રેટ્સે પણ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરવામાં કંઈ બાકી રાખ્યું નથી કેમ કે તેમના સાથી ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર જેડી વેન્સના પત્ની પણ ભારતીય મૂળના છે.