રશિયામાં પુતિનનો દબદબો, પાંચમી વખત બન્યા પ્રમુખ
- 88 ટકા મતો સાથે મેળવી શાનદાર જીત, છ વર્ષ માટે ફરી ચૂંટાયા: અમેરિકાએ ચૂંટણી સામે ઉઠાવ્યા સવાલો
રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને લગભગ 88 ટકા મતો સાથે શાનદાર જીત નોંધાવી છે. એક અહેવાલમાં જણાવ્યું છે કે કાલે મતદાન સમાપ્ત થયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર, વ્લાદિમીર પુતિન 87.97% મતો સાથે રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. આ સાથે પુતિન પાંચમી વખત રશિયાના પ્રમુખ બની ગયા છે.વ્લાદિમીર પુતિન 1999 થી રશિયામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે સત્તામાં છે. નાદુરસ્ત તબિયતને કારણે, બોરિસ યેલતસિને 1999 માં રશિયાની સત્તાની લગામ વ્લાદિમીર પુતિનને સોંપી. ત્યારથી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી. શુક્રવારથી શરૂૂ થયેલી ત્રણ દિવસીય ચૂંટણી અત્યંત નિયંત્રિત વાતાવરણમાં યોજાઈ હતી. યુક્રેન યુદ્ધ માટે વ્લાદિમીર પુતિનની જાહેર ટીકાને રશિયામાં મંજૂરી નથી. પુતિનના સૌથી કટ્ટર રાજકીય હરીફ એલેક્સી નેવલનીનું ગયા મહિને આર્ક્ટિક જેલમાં અવસાન થયું હતું.
તેમના અન્ય ટીકાકારો કાં તો જેલમાં છે અથવા દેશનિકાલમાં છે. 71 વર્ષીય પુતિન સામે ત્રણ હરીફો ચૂંટણી લડ્યા હતા, જેઓ ક્રેમલિનની નજીક હોવાનું કહેવાય છે. ત્રણેય તેમના 24-વર્ષના શાસન અથવા બે વર્ષ પહેલા યુક્રેન સામે વિશેષ લશ્કરી કાર્યવાહી શરૂૂ કરવાના તેમના નિર્ણયની ટીકા કરવાનું ટાળ્યું હતું. જોકે, પુતિનના હજારો વિરોધીઓએ મતદાન મથકો પર વિરોધ કર્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું કે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ન તો મુક્ત હતી કે ન તો ન્યાયી.
આ જીત સાથે કેજીબીના પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ વ્લાદિમીર પુતિને 6 વર્ષનો નવો કાર્યકાળ પ્રાપ્ત કર્યો છે. આ સાથે તેમણે રશિયામાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેવાના મામલે જોસેફ સ્ટાલિનને પાછળ છોડી દીધા છે. પુતિન 200 થી વધુ વર્ષોમાં રશિયાના સૌથી લાંબા સમય સુધી રાજ્યના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે.રશિયાના ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 80 લાખથી વધુ મતદારોએ ઓનલાઈન મતદાન કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગનો ઉપયોગ પ્રથમ વખત થયો છે. વ્લાદિમીર પુતિન મતદાન કરનાર પ્રથમ હતા. શુક્રવાર અને શનિવારે ઘણી જગ્યાએ પુતિન વિરુદ્ધ દેખાવો થયા હતા અને બેલેટ પેપરને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્રમુખ તરીકે ચૂંટાતા જ પશ્ર્વિમી દેશોને ત્રીજા વિશ્ર્વ યુધ્ધ માટે તૈયાર રહેવા ઘમકી
રશિયામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને મોટી જીત મેળવી છે. પરિણામોની જાહેરાત બાદ પુતિને પહેલા સંબોધનમાં પશ્ચિમી દેશોને ધમકી આપી હતી અને ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો રશિયા અને અમેરિકાના નેતૃત્વવાળા નાટો ગઠબંધન વચ્ચે સંઘર્ષ થાય છે તો તેનો અર્થ એ છે કે વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક ડગલું દૂર હશે અને ભાગ્યે જ કોઈ આવી સ્થિતિ જોવા માંગે છે. રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધો 1962ના ક્યુબન મિસાઈલ કટોકટી પછીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ગયા મહિને, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભવિષ્યમાં યુક્રેનમાં તેમના સૈનિકો ઉતરાણ કરવાની સંભાવનાને નકારી ન હતી. જ્યારે પુતિનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, આજના આધુનિક યુગમાં કંઈ પણ શક્ય છે, પરંતુ જો આમ થશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ દૂર નથી. પુતિને એમ પણ કહ્યું કે પબાય ધ વે, નાટો સૈનિકો હજુ પણ યુક્રેનમાં હાજર છે. રશિયાને ખબર પડી છે કે અંગ્રેજી અને ફ્રેન્ચ બોલતા સૈનિકો પણ યુદ્ધના મેદાનમાં હાજર છે. આ સારી બાબત નથી, ખાસ કરીને તેમના માટે કારણ કે તેઓ અહીં મોટી સંખ્યામાં મરી રહ્યા છે.