પુતિનનું કમલા હેરિસને સમર્થન, ટ્રમ્પે રશિયા પર સૌથી વધુ પ્રતિબંધ મુકયાનો દાવો
ટ્રમ્પ સાથે સારા સંબંધો વચ્ચે રશિયન રાષ્ટ્રપતિનો આચકાજનક નિર્ણય
અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બરના યોજાનારી છે. આ ચૂંટણીને સમગ્ર વિશ્વમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેનું પરિણામ વૈશ્વિક રાજકારણ, વેપાર, સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં ઊંડો પ્રભાવ પાડી શકે છે. ખાસ કરીને આ ચૂંટણી રશિયા માટે પણ મહત્વપૂર્ણ છે, જે યુદ્ધમાં અમેરિકા સમર્થિત યુક્રેન સામે લડી રહ્યું છે. તેવામાં પ્રશ્ન ઉઠે છે કે રશિયન રાષ્ટ્રપતિ કયા ઉમેદવારને આગળ જોઈ રહ્યા છે?
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ અંગે ખુલાસો કર્યો છે. પુતિને અણધારી રીતે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તુલનામાં સમર્થન આપવાનું જાહેર કર્યું છે. તેમણે આ જાહેરાત 5 સપ્ટેમ્બરે વ્લાદિવોસ્ટોકમાં યોજાયેલી પૂર્વ આર્થિક મંચ દરમિયાન કરી. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે બાઇડન પ્રશાસને રશિયા પર આક્ષેપ કર્યો કે તે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિનના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓનો ઉદભવ થયો છે, કારણ કે પહેલા રશિયા અને ટ્રમ્પ વચ્ચે સારા સંબંધોની ચર્ચા થતી હતી.
અમેરિકન આક્ષેપોના બીજા જ દિવસે, પુતિને જોર આપી કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડન ફરીથી ચૂંટણી માટે રેસમાં હતા, ત્યારે તેઓ દેશના મનપસંદ નેતા હતા. તેમણે જણાવ્યું કે, જુલાઈમાં બાઇડને જાતે ચૂંટણી દોડમાંથી પોતાને દૂર કર્યું અને જવાબદારી કમલા હેરિસને સોંપી, તો હવે રશિયા તેમને જ સમર્થન આપશે. પુતિને કહ્યું કે રશિયા નવા ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સમર્થન આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
હેરિસ વિ. ટ્રમ્પના મુદ્દે આગળ બોલતા પુતિને જણાવ્યું કે રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (ડોનાલ્ડ ટ્રમ્પ)એ રશિયા સામે એટલા બધા પ્રતિબંધો મૂક્યા છે જેટલા પહેલા કોઈ રાષ્ટ્રપતિએ નહીં મૂક્યા હોય. જો કમલા હેરિસ સારું કરી રહ્યાં છે, તો કદાચ તે આવું કરવાથી દુર રહેશે. જોકે, ટ્રમ્પ પુતિનની ઘણીવાર પ્રશંસા કરી ચૂક્યા છે, પરંતુ પુતિન બાઇડનને વધારે અનુભવી, વધારે પરિપક્વ નેતા ગણાવે છે.