પૂજા અને અભિષેક સિંઘ, સિવિલ સર્વિસીસ પણ શંકાના દાયરામાં
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)નું પેપર ફૂટી ગયું તેના કારણે દેશની મેડિકલ કોલેજોમાં થતાં એડમિશન શંકાના દાયરામાં છે જ ત્યાં હવે મહારાષ્ટ્ર કેડરની વિવાદાસ્પદ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) ઓફિસર પૂજા ખેડકરના કારણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવાતી સિવિલ સર્વિસિસની પરીક્ષા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.
ટ્રેઈની આઈએએસ ઓફિસર પૂજા ખેડકરનું પુણેમાં પોસ્ટિંગ હતું કે જ્યાં તેણે પોતાના માટે અલગ ઓફિસ, ઓફિશિયલ કાર અને પોતાની ખાનગી કાર પર લાલ બત્તી લગાવવાની ગેરકાયદેસર માગણીઓ કરતાં ચર્ચામાં આવી હતી. પૂજા આ બધી સુવિધાઓ માટે હકદાર ન હોવા છતાં સુવિધાઓ માગતી હતી તેમાં ફરિયાદ થતાં કેન્દ્ર સરકારે તેના વ્યવહારની તપાસ માટે એક વ્યક્તિની સમિતિની રચના કરી હતી. આ સમિતિ બે અઠવાડિયામાં પોતાનો અહેવાલ રજૂ કરવાની છે પણ એ પહેલાં બીજી ચોંકાવનારી વિગતો બહાર આવી.
આ વિગતો પ્રમાણે પૂજા ખેડકર ક્રીમી લેયરમાં આવતી હોવા છતાં ઓબીસી ક્વોટા હેઠળ સિવિલ સર્વિસીસની પરીક્ષાના મેરિટમાં આવીને આઈએએસ બની છે. પૂજા ખેડકરે લોકોમોટિવ ડિસએબિલિટી હોવાનું જૂઠાણું ચલાવીને દિવ્યાંગોને મળતી અનામતનો લાભ પણ લીધો છે.
યોગાનુયોગ બીજા એક આઈએએસ અધિકારી અભિષેક સિંઘ પણ ખોટું દિવ્યાંગતા સર્ટિફિકેટ રજૂ કરવાના વિવાદમાં ફસાયા છે. 2010ની બેચના યુપીના આઈએએસ અધિકારી અભિષેક સિંઘ પણ દિવ્યાંગ નહીં હોવા છતાં પીડબલ્યુડી ક્વોટાનો લાભ લઈને આઈએએસ અધિકારી બની ગયા હોવાનો વિવાદ ઊભો થયો છે. અભિષેક સિંઘ યુપી બેચના આઈએએસ અધિકારી છે અને તેમના પિતા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે.
અત્યાર સુધી ઘોરતું યુપીએસસી પણ પૂજા ખેડકર સામેની તપાસમાં જોડાયું છે કેમ કે આ વિવાદ મોટો થઈ જતાં છૂટકો નથી. યુપીએસસીએ મહારાષ્ટ્ર સરકારને એક પત્ર લખીને પૂજા ખેડકરના તમામ સર્ટિફિકેટ માગ્યા છે. પૂજા ખેડકરના જ્ઞાતિ પ્રમાણપત્રથી લઈને દિવ્યાંગતા સર્ટિફિકેટ સુધીના ડોક્યુમેન્ટ ઉપલબ્ધ કરાવવાની માગ કરી છે.દેશના ટોચના અધિકારી પસંદ કરવા માટે લેવાતી સિવિલ સર્વિસિસની પરીક્ષા શંકાથી પર હોવી જોઈએ પણ પૂજા અને અભિષેકના કિસ્સા દર્શાવે છે કે, આ પરીક્ષાઓમાં પણ ગરબડ થઈ છે. આ સ્થિતિ દેશ માટે અને યુપીએસસી બંને માટે શરમજનક કહેવાય. આપણે એક પરીક્ષાને ભ્રષ્ટાચારથી મુક્ત રાખી નથી શકતા. પૂજા અને અભિષેક તો છીંડે ચડેલાં ચોર છે તેથી તેમની ચર્ચા છે પણ આ રીતે કેટલાં લોકો ખોટાં સર્ટિફિકેટ આપીને ખોટી રીતે અનામતનો લાભ લઈને સિવિલ સર્વિસીસ પાસ કરી ગયાં હશે એ વિચારવું જોઈએ.