બગાસું ખાતા મોંઢામાં પતાસુ આવે એ રીતે POK પાછું મળી જશે: રાજનાથનું દીવાસ્વપ્ન
ભારતે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) પાકિસ્તાન પાસેથી કઈ રીતે પાછું લેવું એ મુદ્દો લાંબા સમયથી ચર્યાય છે. પહલગામ હુમલા પછી ભારતીય લશ્કરે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારે ભારત પાસે પીઓકે આંચકી લેવાની તક હતી પણ અમેરિકાના દબાણ હેઠળ ભારતે યુદ્ધવિરામ કરી નાખીને એ તક વેડફી નાખી એવા આક્ષેપો વચ્ચે ભાજપના નેતા ડંફાશો માર્યા કરે છે. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એવી જ ડેફાશ મારતાં કહ્યું છે કે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) કોઈપણ લડાઈ કે હુમલા વિના આપોઆપ ભારતને પરત મળી જશે. રાજનાથના કહેવા પ્રમાણે પીઓકેનાં લોકો પોતે જ આઝાદીની માગ કરી રહ્યા છે અને એક દિવસ આ લોકો પોતે જ કહેશે કે, અમે પણ ભારતીય છીએ.
રાજનાથ સિંહ પહેલાં પણ આ વાત કરી ચુક્યા છે અને મોરક્કોમાં ભારતીય સમુદાયને સબોધતાં તેમણે આ વાત દોહરાવી. રાજનાથે પોતે આ વાત પહેલાં કરેલી તેનો સ્વીકાર કરીને એમ પણ કહ્યું કે, પોતે પાંચ વર્ષ પહેલાં કાશ્મીરમાં આર્મીના એક કાર્યક્રમમાં આ જ વાત કરી હતી અને પોતે આ વાત પર મક્કમ છે. રાજનાથે યુદ્ધ વિના પીઓકે ભારતમાં ભળી જશે એવું કહ્યું એ વાતને પાંચ વર્ષ થઈ ગયાં.
આ પાંચ વર્ષમાં પીઓકે ભારતને મળી જશે કે આપોઆપ ભારતમાં ભળી જશે એવા કોઈ અણસાર દેખાયા નથી છતાં આપણે આશા રાખીએ કે, રાજનાથસિંહનો આશાવાદ સાચો પડે. પીઓકે ભારતનો જ હિસ્સો છે અને પાકિસ્તાને ગેરકાયદેસર રીતે આ વિસ્તાર પચાવી પાડયો છે. આપણા શાસકોની કાયરતાના કારણે આપણે આ વિસ્તારમાંથી 77 વર્ષ પછી પણ પાકિસ્તાનને ખદેડી શક્યા નથી એ જોઈને રંજ થાય પણ એક ભારતીય તરીકે ભારતનો જેના પર અધિકાર છે એ વિસ્તાર પાછો મળે એવું આપણે ઈચ્છીએ જ તેમાં બેમત નથી.
આ કારણે રાજનાથસિંહનો આશાવાદ ગમે એવો છે પણ આશાવાદથી કંઈ થતું નથી. રાજનાથ કહે છે એ રીતે લોકો ભડકીને શાસકોને ખદેડી મૂકે એ શક્ય છે. દુનિયાના સંખ્યાબંધ દેશોમાં એવું થયું છે. ગયા વરસે બંગ્લાદેશમાં લોકોએ શેખ હસીનાને ભગાડી મૂકેલાં ને હમણાં નેપાળમાં કે. પી. શર્મા ઓલીને લોકોએ ભગાડી મૂક્યા. બીજા દેશોમાં પણ એ રીતે લોકોએ ભાકીને ક્રાંતિ કરી નાખી હોય એવી ઘટનાઓ બની જ છે તેથી પીઓકેમાં પણ એવું બને એવો આશાવાદ ખોટો નથી પણ સામે વાસ્તવિકતા પણ સમજવી જરૂૂરી છે.
પીઓકેનાં લોકો છેલ્લા બે દાયકાથી સતત પાકિસ્તાન આર્મી સામે લો છે. 2005માં આવેલા ભૂકંપે ભયંકર તારાજી સર્જી ત્યારથી લોકોએ બાંધી ચડાવી છે પણ કશું થતું નથી કેમ કે પીઓકેની 40 લાખની વસતીમાં 10 લાખ તો પાકિસ્તાની છે ને બાકીના 30 લાખનું પાકિસ્તાન આર્મીને ખદેડવાનું ગજું જ નથી. લોકોને મદદ કરવા ભારતીય લશ્કરે મેદાનમાં આવવું જ પડે. પીઓકે ભારતનો જ ભાગ છે તેથી ભારતીય લશ્કર મદદ કરે તો કશું ખોટું નથી પણ તેના માટે શાસકોમાં હિંમત હોવી જોઈએ ને?