કોંગોના કોલવેઝી એરપોર્ટના રનવે પર લેન્ડ થતાં જ અગનગોળો બન્યું વિમાન, જુઓ VIDEO
કોંગોના એક એરપોર્ટનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં રનવે પર ઉતરતી વખતે એક વિમાન આગની લપેટમાં આવી ગયું હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ ઘટના કોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક સરકારી મંત્રીનું વિમાન લેન્ડ કરતી વખતે બની હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિમાનમાં દેશના ખનન મંત્રી લુઈસ વાટેમ કબામ્બા અને ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ સવાર હતું. જે વિમાનમાં આગ લાગી તે એરોજેટ અંગોલા દ્વારા સંચાલિત એમ્બ્રેયર ઈઆરજે-145એલઆર (રજિસ્ટ્રેશન D2-AJB) હતું.
વિમાન કિન્શાસાથી લુઆલાબા પ્રાંતના કોલ્વેઝી જઈ રહ્યું હતું. સોમવારે કોલ્વેઝીના રનવે 29 પર ઉતરતી વખતે વિમાનના પાછળના ભાગમાં આગ લાગી ગઈ. આ ઘટનાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
https://x.com/geotechwar/status/1990547653927805310?s=20
વિમાનમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોઈ શકાય છે, જ્યારે અન્ય લોકો પાણી વડે આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજા એક વીડિયોમાં ગભરાયેલા મુસાફરો વિમાનમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. કેટલાક ઉતાવળમાં પડી જાય છે, જ્યારે અન્ય બારીમાંથી કુદીને પોતાનો જીવ બચાવતા જોવા મળે છે.
મંત્રીના સંચાર સલાહકાર, ઈસાક ન્યેમ્બોએ આ વાતની પુષ્ટિ કરી હતી કે લુઆલાબા પ્રાંતના કોલવેઝી એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે વિમાન રનવે પરથી ઉતરી ગયું હતું. જોકે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં મુસાફરો કે ક્રૂના કોઈ પણ સભ્યનું મૃત્યુ થયું નથી.
માહિતી મુજબ, આગ લાગવાને કારણે આખું જેટ વિમાન નષ્ટ થઈ ગયું છે. હાલમાં, તપાસકર્તાઓ એ જાણકારી મેળવી રહ્યા છે કે આ અકસ્માત પાછળના સંભવિત કારણો શું હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મંત્રી કોલવેઝી નજીકની કાલોન્ડો ખાણની મુલાકાત લેવાના હતા, જ્યાં 15 નવેમ્બરના રોજ ભારે વરસાદને કારણે પુલ તૂટી જતાં ડઝનબંધ શ્રમિકોનાં મોત થયાં હતાં.
અહેવાલો અનુસાર, વિમાન કિન્શાસા-એન'ડજિલીથી રવાના થયું હતું અને કોલ્વેઝી એરપોર્ટ પર ઉતર્યું હતું. રનવે 29 પર ઉતરાણ કરતી વખતે, વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું, જેના કારણે તેનો મુખ્ય ગિયર તૂટી ગયો. પરિણામે, વિમાન રનવે પરથી ભટકાઈ ગયું, પલટી ગયું અને તેની પૂંછડીના ભાગમાં આગ લાગી. અંદર રહેલા મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. કોઈને ઈજા થઈ ન હતી, અને વિમાન સંપૂર્ણપણે બળી ગયું હોવાના અહેવાલ છે.