આકાશમાં જ વિમાનનું ટાયર નીકળી ગયું: 235 યાત્રીનો બચાવ
સાન ફ્રાન્સિસ્કોથી જાપાન જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ટેકઓફ દરમિયાન પ્લેનનું ટાયર નીકળી જવાને કારણે આ આ ઘટના બની હતી જેને લીધે વિમાનમાં સવાર 235 મુસાફરો અને 14 ક્રૂ મેમ્બરના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ફ્લાઈટે ઉડાન ભરતાની સાથે ડાબી બાજુના મુખ્ય લેન્ડિંગ ગિયર એસેમ્બલી સાથે જોડાયેલા 6 ટાયરમાંથી એક ઉડાન ભર્યા બાદ તરત જ નીકળી ગયું હતું. વિમાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટેકઓફની થોડી જ સેક્ધડમાં ટાયર પડતા જોઈ શકાય છે.
વિમાનમાંથી નીકળ્યા બાદ આ ટાયર સાન ફ્રાન્સિસ્કો ઈન્ટરનેશનલના કર્મચારી પાર્કિંગમાં પડી ગયું હતું. આ ટાયર કાર પર પડતાં કારની પાછળની બારીનો કાચ તૂટી ગયો હતો.
આ પછી ટાયર એક દિવાલ તોડીને થોડે દૂર થંભી ગયું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. યુનાઈટેડ એરલાઈન્સના વિમાનને ઘટનાના થોડા સમય બાદ લેન્ડ કરવું પડ્યું હતું. આ ઘટનાને લઈને એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2002માં બનેલા આ પ્લેનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે ટાયર ફાટવા કે બગડે તો પણ સુરક્ષિત લેન્ડિંગ કરી શકાય.