83 હાથી, 30 હિપ્પો સહિત 700 જનાવરોને મારીને ખાઇ જશે લોકો
નામિબિયામાં ભયાનક દુષ્કાળના કારણે લોકોની ભુખ સંતોષવા સરકારનો નિર્ણય
આફ્રિકાના દેશ નામિબિયામાં આ દિવસોમાં લોકો ભૂખથી ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં દુષ્કાળના કારણે અનાજની અછત છે. આવી સ્થિતિમાં લોકોની ભૂખ સંતોષવા માટે સરકારે 723 વન્ય પ્રાણીઓને મારવાનો આદેશ આપ્યો છે. જેમાં 83 હાથી અને અન્ય જંગલી પ્રાણીઓનો સમાવેશ થાય છે. જેથી લોકો આ પ્રાણીઓના માંસથી પોતાની ભૂખ સંતોષી શકશે.
દેશમાં ચાલી રહેલા ગંભીર દુષ્કાળને કારણે ઉભી થયેલી ખાદ્ય સંકટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે, નામિબિયા સરકારે તેના દેશની અડધી વસ્તી માટે માંસ પૂરું પાડવાનું આયોજન કર્યું છે. આ રીતે પ્રાણીઓને મારવાને કલિંગ કહેવામાં આવે છે.
નામીબિયા છેલ્લા 100 વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળથી પીડિત છે. લોકોને ખાવા-પીવાની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અનાજના ગોડાઉન ખાલીખમ થઇ ગયા છે. આવી સ્થિતિમાં, સરકારે લોકોને ખોરાક આપવા માટે યોજના હેઠળ હાથી અને અન્ય પ્રાણીઓને મારવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ કુલ 723 પશુઓને મારવાની યાદી તૈયાર કરવામાં આવી છે. આમાં 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઇમ્પાલા, 100 વાદળી વાઇલ્ડબીસ્ટ, 300 ઝેબ્રા, 83 હાથી અને 100 એલેન્ડ્સ (એક પ્રકારનું હરણ)નો સમાવેશ થાય છે. તે જ સમયે, 150 થી વધુ પ્રાણીઓના મોત થઈ ચૂક્યા છે. આ માર્યા ગયેલા પ્રાણીઓમાંથી લગભગ 63 ટન માંસ બહાર કાઢવામાં આવ્યું છે.
નામિબિયાના પર્યાવરણ, વનસંવર્ધન અને પ્રવાસન મંત્રાલય અનુસાર, આ જરૂૂરી છે અને આપણા બંધારણીય આદેશને અનુરૂૂપ છે. આપણા કુદરતી સંસાધનોનો ઉપયોગ નામીબિયાના નાગરિકોના લાભ માટે થાય છે. પર્યાવરણ, વનસંવર્ધન અને પર્યટન મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેને આશા છે કે કેટલાક પ્રાણીઓને મારવાથી વન્યજીવન પરના દુષ્કાળની અસરમાં ઘટાડો થશે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણીના અભાવે પશુઓ એકબીજાને મારવા પર તત્પર છે.