શાંતિનો સંકેત, ઇઝરાયલ, હમાસ યુદ્ધવિરામ માટે તૈયાર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. યુદ્ધને કારણે ગાઝામાં માનવતાવાદી કટોકટી જોવા મળી રહી છે. લોકો પાસે ખાવા માટે કંઈ નથી. આ દરમિયાન એક રાહતના સમાચાર આવ્યા છે. ગુરુવારે એક રાજદ્વારી ઘટનાક્રમમાં ઇઝરાયલે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ દ્વારા રજૂ કરાયેલા નવા યુદ્ધવિરામ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવમાં 60 દિવસ માટે યુદ્ધવિરામની વાત કરવામાં આવી છે. બદલામાં હમાસ દ્વારા રાખવામાં આવેલા 10 જીવંત અને 18 મૃત બંધકોને મુક્ત કરવામાં આવશે.
એક અહેવાલ મુજબ ઇઝરાયલી અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. જોકે હમાસની મુખ્ય માંગણીઓમાંની એક કાયમી યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો ક્યારે અને કેવી રીતે શરૂૂ થશે તે સ્પષ્ટ નથી.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે પુષ્ટિ આપી છે કે ઇઝરાયલે અમેરિકાના નવા યુદ્ધવિરામ પ્રસ્તાવને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે અને તે પછી જ આ પ્રસ્તાવ હમાસને મોકલવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ખાસ દૂત સ્ટીવ વિટકોફ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેને હમાસને વિચારણા માટે મોકલવામાં આવ્યું છે. પરંતુ જૂથ તરફથી હજુ સુધી કોઈ અંતિમ મંજૂરી મળી નથી. વ્હાઇટ હાઉસના બ્રીફિંગમાં લેવિટે કહ્યું હું પુષ્ટિ કરી શકું છું કે યુદ્ધવિરામ વાટાઘાટો ચાલુ છે અને અમને આશા છે કે ગાઝામાં ટૂંક સમયમાં યુદ્ધવિરામ થશે જેથી અમે બધા બંધકોને સુરક્ષિત રીતે ઘરે લાવી શકીએ.શરૂૂઆતથી જ આ અમારી સરકારની પ્રાથમિકતા રહી છે.