ઇજિપ્તમાં ટ્રમ્પ સહિત વિશ્ર્વના નેતાઓની હાજરીમાં શાંતિ કરાર
હમાસના પ્રતિનિધિઓની ગેરહાજરી પણ ટ્રમ્પ, બ્રિટન, ફ્રાંસ, ઇટાલીના વડાઓની હાજરીમાં હસ્તાક્ષર: યુધ્ધનો અંત આવ્યાની અમેરિકી પ્રમુખની જાહેરાત, ગાઝા પણ જશે: ઇઝરાયલ તેમને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર આપશે
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝામાં શાંતિયોજના પર આજે ઇજિપ્તની રાજધાની કેરોમાં 20 જેટલા દેશોના નેતાઓની હાજરીમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર સાથે હમાસ 20 ઇઝરાયેલી બંધકોને છોડી રહ્યું છે. બદલામાં ઇઝરાયેલ 200 પેલેસ્ટાઇની કેદીઓને મુક્ત કરશે. પ્રમુખ ટ્રમ્પે આ ઐતિહાસીક ઘડીના સાક્ષી બનવા રવાના થતા અગાઉ ગાઝ યુધ્ધ પુરૂ થયાની જાહેરાત કરી જણાવ્યું હતું કે તેઓ ગાઝામાં પગ મુકવા માગે છે.
ઉલ્લેખનીય છે કે આજે ટ્રમ્પ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ મુલાકાત કરશે. તેઓ નેસેટને પણ સંબોધિત કરશે. ઇઝરાયલી મીડિયા અનુસાર, યુએસ પ્રમુખ બંધકોના પરિવારો સાથે પણ મુલાકાત કરશે.
ઇઝરાયલ માટે રવાના થયા પછી તરત જ એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા, યુએસ પ્રમુખે કહ્યું કે ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. ઇઝરાયલ અને હમાસ ટૂંક સમયમાં કેદીઓ અને બંધકોની આપ-લે કરશે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, અમે બધાને ખુશ કરીશું. બધા ખુશ છે, પછી ભલે તે યહૂદીઓ હોય, મુસ્લિમો હોય કે આરબ દેશો. ઇઝરાયલ પછી, અમે ઇજિપ્ત જઈ રહ્યા છીએ અને અમે બધા શક્તિશાળી અને મુખ્ય દેશો, ખૂબ જ શ્રીમંત દેશો અને અન્ય દેશોના નેતાઓ સાથે મળીશું, અને તેઓ બધા આ કરારમાં સામેલ છે. કરાર પર હસ્તાક્ષર સમારંભમાં હમાસના પ્રતિનિધિઓ હાજર નહીં રહે તેવનું કહેવું છે કે તેમણે ઇજીપ્ત અને કતારની મધ્યસ્થી દ્વારા યુધ્ધવિરામ સ્વીકાર્યો હતો.
દરમિયાન ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે જણાવ્યું હતું કે તેઓ ગાઝામાંથી બંધકોને મુક્ત કરાવવા અને યુદ્ધનો અંત લાવવામાં તેમની ભૂમિકા બદલ તેમના યુએસ સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અર્પણ કરશે.
મોદીને આમંત્રણ મળ્યું પણ ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ રાજ્યમંત્રી કરશે
ગાઝામાં યુદ્ધવિરામ બાદ શાંતિ યોજનાને અંતિમ સ્વરૂૂપ આપવા માટે આજે ઇજિપ્તના શર્મ અલ-શેખ ખાતે એક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય શાંતિ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારે પુષ્ટિ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ મળ્યું છે. જોકે, ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહ કરશે.