PCBએ બાબર, આફ્રિદી અને નસીમને ટેસ્ટમાંથી પડતા મુક્યા
ઇંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટની ટીમ જાહેર
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે (પીસીબી) પૂર્વ કેપ્ટન બાબર આઝમ, શાહીન આફરિદી અને નસીમ શાહને ટેસ્ટ ક્રિકેટમાંથી પડતા મૂકી દીધાં છે. પીસીબીએ ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ માટે ટીમનું એલાન કર્યું છે જેમાં આ 3 સિનિયર ખેલાડીઓને સામેલ કરાયા નથી. પોતાની કરિયરમાં પહેલી વાર બાબર આઝમ નબળા પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર થયો છે.
ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, વિકેટકીપર સરફરાઝ ખાન જેવા વરિષ્ઠ ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓનું પ્રદર્શન પણ તાજેતરના સમયમાં સારું રહ્યું નથી. બાબર આઝમની જગ્યાએ સાજિદ ખાન, 19 ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ ધરાવતા ડાબોડી સ્પિનર મેહરાન મુમતાઝને સામેલ કરાયો છે. અબરાર અહેમદ બીજી ટેસ્ટ માટે સમયસર સ્વસ્થ થવાની શક્યતા નથી. તેઓ મુલ્તાનની હોસ્પિટલમાં દાખલ છે. પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે પણ તે બોલિંગ કરી શક્યો નહોતો. આવી સ્થિતિમાં તેને સમગ્ર શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકેલા યુવા વિકેટકીપર બેટ્સમેન હસીબુલ્લા ખાનને પણ ટીમમાં સામેલ કરાયો છે.