યુએનમાં પાક.ના સદાબહાર સાથી તુર્કીએ કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો
યુએનના ઠરાવ મુજબ ઉકેલ લાવવા હિમાયત: ભારતે કહ્યું, આ અમારો આંતરિક મામલો
પાકિસ્તાનના સદાબહાર સાથી, તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના સંબોધન દરમિયાન ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. એર્દોગને મંગળવારે કહ્યું કે, તુર્કીયે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામથી ખુશ છે. આ સાથે, તેમણે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે વાત કરી હતી.
તેમણે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર વિવાદ ઉકેલવા વિનંતી કરી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્ર માટે ભેગા થયેલા વિશ્વ નેતાઓ સમક્ષ એર્દોગને આ વાત કહી.
તેમણે કહ્યું કે, થોડા મહિના પહેલા એપ્રિલમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે થયેલા તણાવ અને ત્યારબાદ બંને દેશો વચ્ચે થયેલા લશ્કરી સંઘર્ષ પછીના યુદ્ધવિરામથી અમે ખુશ છીએ. કાશ્મીર મુદ્દાનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોના આધારે વાતચીત દ્વારા થવો જોઈએ, જે કાશ્મીરમાં આપણી બહેનો અને ભાઈઓના શ્રેષ્ઠ હિતમાં છે.
જોકે, આ પહેલીવાર નથી જ્યારે એર્દોગને સંયુક્ત રાષ્ટ્ર સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ ગયા વર્ષે યુએન જનરલ એસેમ્બલીમાં આ મુદ્દા પર મૌન રહ્યાના એક વર્ષ પછી તેમની ટિપ્પણી આવી છે.
દરમિયાન, ભારતે તુર્કીયેની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન દ્વારા તુર્કીયેના પ્રમુખની વાંધાજનક ટિપ્પણીને નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. અન્ય કોઈ દેશને તેના પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.