મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની હારની હેટ્રિક, ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર
બેથ મુનીની 114 બોલમાં 109 રનની ઇનિંગ, 11 ચોગ્ગા ફટકાર્યા
ICC મહિલા વર્લ્ડ કપ 2025ની નવમી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ એક શાનદાર જીત મેળવી હતી. પાકિસ્તાને મેચની શરૂૂઆત સારી રીતે કરી હતી, અને એક સમયે એવું લાગતું હતું કે તેઓ મોટો અપસેટ સર્જી શકે છે. જોકે, ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરીને ટુર્નામેન્ટમાં પોતાનો બીજો વિજય મેળવ્યો હતો. તેઓએ મેચ 107 રનથી જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ હારી પહેલા બેટિંગ કરી, પરંતુ તેમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી. ફોબી લિચફિલ્ડ માત્ર 10 રન બનાવીને અને એલિસા હીલી 20 રન બનાવીને આઉટ થઈ ગઈ. એલિસ પેરી પણ 5 રનથી વધુ રન બનાવી શકી નહીં. ત્યારબાદ એનાબેલ સધરલેન્ડ અને એશ્ર્લે ગાર્ડનર આઉટ થઈ ગઈ, જેના કારણે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 વિકેટે 76 રન થઈ ગયો.
જોકે, બેથ મૂનીએ એક છેડો પકડી રાખ્યો. બેથ મૂનીએ અલાના કિંગ સાથે મળીને નવમી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી અને મેચનું પાસુ ફેરવી નાખ્યું. બેથ મૂનીએ 114 બોલમાં 109 રનની ઈનિંગ રમી, જેમાં 11 ચોગ્ગા ફટકાર્યા. બેથ મૂનીએ સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને અલાના કિંગ સાથે નવમી વિકેટ માટે 106 રન ઉમેર્યા.
ઉલ્લેખનીય છે કે, અલાના કિંગે પણ અડધી સદી ફટકારી. 10મા ક્રમે બેટિંગ કરતી વખતે, તેણે 49 બોલમાં અણનમ 51 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 221 રન બનાવી શક્યું. બીજી તરફ, પાકિસ્તાન તરફથી નશરા સંધુએ ત્રણ વિકેટ લીધી. ફાતિમા સના અને રમીન શમીમે બે-બે વિકેટ લીધી, જ્યારે ડાયના બેગ અને સાદિયા ઈકબાલે એક-એક વિકેટ ઝડપી હતી.