પાકિસ્તાનનો સાયબર અટેક! ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ હેક, તપાસ શરૂ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. વધતા તણાવ વચ્ચે પાકિસ્તાની હેકર્સે ભારત પર સાયબર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતની ઘણી સંરક્ષણ વેબસાઇટ હેક કરવામાં આવી છે. 'પાકિસ્તાન સાયબર ફોર્સ' ટ્વિટર હેન્ડલ દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે કે આ જૂથે ભારતીય સંરક્ષણ સંસ્થાઓનો સંવેદનશીલ ડેટા હેક કર્યો છે. અહેવાલો અનુસાર, ભારતીય લશ્કરી એન્જિનિયરિંગ સેવા અને મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (IDSA) સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, જેમાં સંરક્ષણ કર્મચારીઓની વ્યક્તિગત વિગતો અને લોગિન ઓળખપત્રોનો સમાવેશ થાય છે લીક થઈ ગઈ છે.
એટલું જ નહીં, હેકર્સે સંરક્ષણ મંત્રાલય હેઠળના PSU આર્મર્ડ વ્હીકલ કોર્પોરેશન લિમિટેડની વેબસાઇટને પણ ડિફેસ કરી દીધી હતી. વેબસાઇટ પર પાકિસ્તાનના ધ્વજ અને અલ ખાલિદ ટેન્કના ચિત્રો પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઘટના પછી, સાવચેતી રૂપે, વેબસાઇટને અસ્થાયી રૂપે ઑફલાઇન કરવામાં આવી છે અને તેનું સાયબર ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે.
ભારતીય સાયબર સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર
સાયબર હુમલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભારતીય સાયબર સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને પાકિસ્તાન સાથે જોડાયેલા જૂથો દ્વારા પ્રાયોજિત કોઈપણ સંભવિત હુમલા પર નજર રાખી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા વધારવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
હાલ માટે વેબસાઇટને ઓફલાઈન કરવામાં આવી છે
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ભારતની સંવેદનશીલ સુરક્ષા તૈયારીઓ પર વિદેશી સાયબર હુમલાઓની શક્યતા સતત વધી રહી છે. સાવચેતી રૂપે હાલ માટે વેબસાઇટને ઓફલાઈન કરવામાં આવી છે જેથી સમગ્ર સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરી શકાય અને કોઈપણ સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. ઉપરાંત સાયબર સુરક્ષા એજન્સીઓ અને નિષ્ણાતો સાયબર સ્પેસ પર સતત નજર રાખી રહ્યા છે જેથી પાકિસ્તાન સાથે જોડાયેલા સંભવિત સાયબર હુમલાઓને સમયસર શોધી શકાય અને તેનો સામનો કરી શકાય.
સરકાર દ્વારા આ સમગ્ર બાબત પર કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી ડિજિટલ સુરક્ષાને મજબૂત બનાવી શકાય અને ભવિષ્યમાં આવા કોઈપણ સાયબર હુમલાનો સામનો કરવાની તૈયારી વધુ સારી બને.