પાકિસ્તાન-અમેરિકાની દોસ્તી મજબૂત થતી દેખાય છે: ભારતે સતર્ક રહેવું જ પડે
ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારતને ભીંસમાં લેવા માટે જાત જાતના ફતવા બહાર પાડી રહ્યા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને પડખામાં લઈને ફરી પાકિસ્તાન સાથેના સંબંધો ગાઢ કરવા પણ મથી રહ્યા છે. પાકિસ્તાનને માટે તો અમેરિકાની પંગતમાં બેસવા મળે તેનાથી રૂૂડું કંઈ નથી, તેથી પાકિસ્તાન અમેરિકાને રાજી રાખવા જે કંઈ થાય એ બધું કરી છૂટી રહ્યું છે.
તેના ભાગરૂૂપે પાકિસ્તાને દુર્લભખનિજોનો એટલે કે રેર અર્થ મિનરલ્સનો નાનો જથ્થો અમેરિકાને મોકલી આપ્યો છે. ગયા મહિને અમેરિકન કંપની યુએસ સ્ટ્રેટેજિક મેટલ્સ (યુએસએસએમ) સાથે પાકિસ્તાને 50 કરોડ ડોલરનો સોદો કર્યો હતો. આ કરાર હેઠળ અમેરિકાની કંપની પાકિસ્તાનમાં ખનિજોના સંશોધન અને પ્રક્રિયા માટે લેબોરેટરીઓ બાનવશે અને ખનિજોને બહાર કાઢીને શુદ્ધ કરવા માટેની સવલતો ઊભી કરશે. પાકિસ્તાને આ કરારના અમલની શરૂૂઆત કરીને રેર અર્થ મિનરલ્સ અમેરિકા મોકલ્યું છે પણ શું મોકલ્યું અને કેટલા પ્રમાણમાં મોકલ્યું તેનો ફોડ નથી પાડયો. રસપ્રદ વાત પાછી એ છે કે, રેર અર્થ મિનરલ્સ સાથે લશ્કરને કોઈ લેવાદેવા નથી પણ અમેરિકાની કંપનીને પાકિસ્તાની આર્મીની એક શાખા એવી ફ્રન્ટિયર વર્ક્સ ઓર્ગેનાઇઝેશન (એફડબલ્યુઓ) મદદ કરી રહ્યું છે.
તેની મદદથી રેર અર્થ મિનરલ્સના નમૂના તૈયાર કરવામાં આવ્યા છે અને અમેરિકા મોકલાયા છે. પાકિસ્તાન આર્મીની સંડોવણીના કારણે ખરેખર ખનિજો મોકલાયા કે બીજું કશું મોકલાયું એ રામ જાણે પણ આ ઘટનાક્રમ ભારત માટે ખુશ થવા જેવો નથી તેમાં કોઈ શંકા નથી. પાકિસ્તાન આર્મીની સંડોવણીથી સ્પષ્ટ છે કે, પાકિસ્તાન અને અમેરિકાની દોસ્તી માત્ર રેર અર્થ મિનરલ્સ પૂરતી મર્યાદિત નથી પણ તેનાથી ઉપર છે. આમ પણ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર પાકિસ્તાનમાં અમેરિકાને જે કરવું હોય એ કરવા માટે લાલ જાજમ પાથરીને બેસી ગઈ છે. ભારત માટે આ બંને સ્થિતિ સારી નથી.
ભૂતકાળમાં અમેરિકાના લશ્કરે પાકિસ્તાનમાં ધામા નાંખ્યા તેના કારણે ભારતમાં આતંકવાદ વકર્યો હતો. અમેરિકનો પણ દૂધે ધોયેલા -નથી અને હથિયારોની હેરફેર કરે જ છે. અમેરિકાનું લશ્કર પાકિસ્તાનમાં હશે તો ભારતમાં આતંકવાદ ફેલાવતાં સંગઠનો સુધી તેમનાં હથિયારો પહોંચશે જ ને ભારતની તકલીફ વધશે. અમેરિકાનાં જહાજો મારફતે આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરીનો ખતરો પણ છે તેથી અમેરિકાની પાકિસ્તાન સાથેની દોસ્તી ભારત માટે સારા સંકેત નથી પણ ટ્રમ્પને રોકી શકાય તેમ નથી. ભારતે તેની સામે સતર્ક થવું પડે કેમ કે ભૂતકાળમાં અમેરિકાની પાકિસ્તાન સાથેની દોસ્તી ભારતને બહુ ભારે -પડેલી છે.