કાશ્મીરનું પૂંછડું પકડીને અટક્યું પાક., ભારત 2024માં પહોંચી ગયું
પાકિસ્તાનમાં ગમે તે રાજકારણી હોય કે ઉચ્ચ હોદ્દા પર બેઠેલો માણસ હોય , ભારત વિરોધી માનસિકતા છોડી શકતો નથી તેથી જમ્મુ અને કાશ્મીર મુદ્દે હળાહળ જુઠાણાં ચલાવીને ભારતને બદનામ કરવાની કોઈ તક જવા દેતો નથી. પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ એસેમ્બલીની ચૂંટણીના કારણે વચગાળાની સરકાર રચાઈ છે. પાકિસ્તાનની આ વચગાળાની અથવા તો રખેવાળ સરકારના વિદેશ પ્રધાન તરીકે જલીલ અબ્બાસ જિલાની છે. જિલાની રાજકારણી નથી પણ ભૂતપૂર્વ રાજદ્વારી છે પણ આ બધા કહેવાતા પાકિસ્તાનીઓના માનસમાં ભારત વિરોધી ઝેર ભરેલું છે તેથી જિલાની પણ રાજકારણીઓની જ ભાષા બોલે છે. જિલાની હમણાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ ગયેલા. જિલાનીની હાજરીમાં પાકિસ્તાની દૂતાવાસમાં કાશ્મીર એકતા દિવસની ઉજવણી કરવામાં આવી ને એ ટાણે જિલાનીએ ભારત સામે ભરપૂર ઝેર ઓક્યું. જિલાનીના દાવા પ્રમાણે, ભારતે જમ્મુ-કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે અને ભારત લશ્કરી તાકાતથી જમ્મુ-કાશ્મીર પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જિલાનીના કહેવા પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરનાં લોકો ભારતના લશ્કરનો પૂરી બહાદુરીથી સામનો કરીને લડી રહ્યાં છે અને શહીદ પણ થયાં છે. જિલાનીએ કાશ્મીરમાં ભારતીય અત્યાચારનો સામનો કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે એવા શહીદોને શ્રધ્ધાંજલિ આપીને દાવો કર્યો કે, ભારત કાશ્મીરીઓની ઈચ્છાને દબાવવામાં નિષ્ફળ રહ્યું છે અને તેમના બલિદાનને ઈતિહાસમાં યાદ કરવામાં આવશે. જિલાનીએ એવું ડહાપણ પણ ડહોળ્યું કે, જમ્મુ અને કાશ્મીર સમસ્યાનો ઉકેલ યુએન સિક્યુરિટી ઠરાવો અને કાશ્મીરીઓની ઈચ્છા મુજબ આવશે ત્યારે જ દક્ષિણ એશિયામાં શાંતિ સ્થપાશે. જિલાનીએ જમ્મુ અને કાશ્મીરની ખાસ દરજ્જો આપતી કલમ 370ની નાબૂદીની વાત પણ કરી નાંખી. જિલાનીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આગળ આવીને જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનનો વિરોધ કરવા અપીલ પણ કરી નાંખી. જિલાનીએ પાંચ ઑગસ્ટ 2019ના રોજ લેવાયેલા ભારત સરકારના નિર્ણયને પાછો ખેંચાવીને કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ કરવા માટે દબાણ લાવવા પણ અપીલ કરી છે.
જિલાનીની હાજરીમાં જમ્મુ અને કાશ્મીરના વીડિયો બતાવાયા કે જેમાં જમ્મુ-કાશ્મીરમાં ભારત દ્વારા ગુજારાતા અત્યાચારના કારણે લોકોની દુર્દશા થયાનો દાવો કરાયો. આ દુર્દશાનું એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. જિલાનીની વાતમાં નવું કશું નથી કેમ કે પાકિસ્તાનના નેતાઓ વરસોથી આ રેકર્ડ વગાડ્યા કરે છે. શબ્દો અલગ અલગ હોય છે પણ વાત આ જ હોય છે.
કકર અને જિલાનીએ જે કંઈ લવારા કર્યા તેનો સાર એ છે કે, પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરનું પૂંછડું છોડવાનું નથી ને ભારત સામે ઝેર ઓકવાનું પણ ચાલુ રાખશે. આ વાતમાં પણ કશું નવું નથી કેમ કે આ વાતો આપણે વરસોથી સાંભળીએ છીએ. તેનું કારણ એ કે, પાકિસ્તાનીઓ જૂના જમાનામાં સ્થગિત થઈ ગયા છે. એ લોકો હજુય 1940 અને 1950ના જમાનામાં જીવે છે જ્યારે ભારત 2024માં પહોંચી ગયું છે એ વાતનો તેમને અંદાજ જ નથી.
પાકિસ્તાનીઓ હજુય યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવનાં ગાણાં ગાય છે પણ એ બધા ઠરાવો ક્યારના કચરાટોપલી ભેગા થઈ ગયા છે. 1971ના યુદ્ધ વખતે ભારતીય લશ્કરના જવાનોએ પાકિસ્તાનના 93 હજાર સૈનિકોને બંદી બનાવ્યા ને તેમને છોડાવવા માટે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ મોંમાં તરણું લઈને ભારત સાથે સિમલા કરાર કર્યા ત્યારે જ જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષી થઈ ગયેલો. યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ કે કોત્રણ પણ ત્રીજા પક્ષની ભૂમિકા હવે રહેતી નથી એવું પાકિસ્તાને જ લખી આપેલું. પાકિસ્તાનના હલકા રાજકારણી પોતે લખી આપેલું પણ, યાદ રાખવા તૈયાર નથી હજુય યુનાઈટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની રેકર્ડ વગાડ્યા કરે છે.