રમઝાન પહેલા જ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું પાકિસ્તાન! નમાજ દરમિયાન આત્મઘાતી હુમલો; 16ના મોત
રમઝાનના પવિત્ર મહિના પહેલા આજે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તાલિબાન તરફી મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના નૌશેરા જિલ્લામાં સુસાઇડ ઍટેક થયો છે જેમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત છે. મદરસામાં શુક્રવારની નમાઝ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો.
અહેવાલો અનુસાર, વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના જિલ્લા અક્કોરા ખટ્ટકમાં થયો હતો. અધિકારીઓ આ અંગે તપાસ કરી રહ્યા છે અને મૃતકો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જોકે, જામિયા હક્કાનીયાની અંદર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. આ મદરેસા અફઘાન તાલિબાન સાથેના સંબંધો માટે જાણીતું છે. તેના વિશાળ કેમ્પસમાં લગભગ 4,000 વિદ્યાર્થીઓ રહે છે, જેમને મફત ખોરાક, કપડાં અને શિક્ષણ આપવામાં આવે છે.
https://x.com/ghulamabbasshah/status/1895411693070815328
જામિયા હક્કાનિયા સેમિનરીની અંદરના સંકુલમાં, જ્યાં વિસ્ફોટ થયો હતો, ત્યાં લગભગ 4,000 વિદ્યાર્થીઓ રહે છે, જેમને મફત ભોજન અને શિક્ષણ આપવામાં આવે છે. પાકિસ્તાની સામ ટીવીના અહેવાલ મુજબ કેપી આઈજી ઝુલ્ફીકાર હમીદે કહ્યું કે પ્રાથમિક તપાસ મુજબ તે આત્મઘાતી વિસ્ફોટ હોવાનું જણાય છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે મૌલાના હમીદુલ હક હક્કાની નિશાના પર હતા.
પાકિસ્તાન સરકારે આ ઘટનાની નિંદા કરી છે
પાકિસ્તાન સરકારના ગૃહમંત્રી મોહસિન નકવીએ એક્સ પર પોસ્ટ કરીને આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું, "દુશ્મન દેશ પાકિસ્તાનમાં અસ્થિરતા સર્જવાનું ષડયંત્ર રચી રહ્યો છે. અમે દુશ્મનના દરેક કાવતરાને નિષ્ફળ બનાવીશું. અમે મૃતકોના પરિવારજનો સાથે ઉભા છીએ." તેમણે મૌલાના હમીદુલ હક હક્કાની અને અન્ય ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા બોમ્બ વિસ્ફોટને લઈને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યો આતંકવાદ સામેના અમારા સંકલ્પને નબળો પાડી શકે નહીં. તેમણે કહ્યું કે અમે દેશમાંથી તમામ પ્રકારના આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.