પાકિસ્તાને પોતાના જ નાગરિકો પર ચીની બોમ્બ વરસાવ્યા, મહિલા-બાળકો સહિત 30ના મોત
આતંકવાદીઓને મારવા માટે નીકળેલી પાકિસ્તાની વાયુસેનાએ પોતાના જ નાગરિકો પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં 30 નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલો આજે સવારે ખૈબર પખ્તુનખ્વાના તિરાહ ખીણમાં થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં મહિલાઓ અને બાળકો પણ માર્યા ગયા છે. જોકે, પાકિસ્તાની વાયુસેનાએ કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
આજે (22 સપ્ટેમ્બર) વહેલી સવારે, પાકિસ્તાની વાયુસેનાએ ચીની J-17 નો ઉપયોગ કરીને ખૈબર સરહદ પર હવાઈ હુમલા કર્યા. આ હુમલા દરમિયાન, નાગરિકોના ઘરો પર કેટલાક બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેના પરિણામે 30 લોકોના મોત થયાં છે જયારે 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની સેના સરહદી વિસ્તારોમાં કાર્યવાહી કરી રહી છે
આ વર્ષે ઓગસ્ટથી ખૈબરમાં 700 થી વધુ આતંકવાદી હુમલા થયા છે, જેમાં 258 સૈનિકો માર્યા ગયા છે. આતંકવાદથી પરેશાન પાકિસ્તાની સેનાએ ખૈબર સરહદ પર એક ખાસ ઓપરેશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આના ભાગ રૂપે, સેના ડેરા ઇસ્માઇલ અને બાજૌરના વિસ્તારોમાં હવાઈ હુમલા કરી રહી છે.
આજે પાકિસ્તાની સેનાએ ડેરા ઇસ્માઇલમાં સાત આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો પણ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેના તિરાહ ખીણમાં પણ આવી જ કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી હતી, પરંતુ પાકિસ્તાની સેનાએ ત્યાં મોટી ભૂલ કરી. સ્થાનિક મીડિયાએ આ ભૂલ અંગે કોઈ અહેવાલ આપ્યો નથી.
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન છે. યુએન અનુસાર, ટીટીપી પાસે 6,000 થી વધુ લડવૈયાઓ અને 10 થી વધુ તાલીમ શિબિરો છે. ટીટીપી લડવૈયાઓ અફઘાનિસ્તાન સરહદ પર સ્થિત ખૈબરમાં સૌથી વધુ સક્રિય છે.
પાકિસ્તાનનો દાવો છે કે અફઘાનિસ્તાન ખૈબરમાં ટીટીપીને ટેકો આપી રહ્યું છે. પાકિસ્તાને ખુલ્લેઆમ અફઘાનિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. ટીટીપીનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં કટ્ટરવાદી મુસ્લિમ શાસન પુનઃસ્થાપિત કરવાનો છે.