પોપટ બની જતું પાક.; 11 સૈનિકો, 40 નાગરિકોએ જીવ ગુમાવ્યાનું, 78 જવાન ઘાયલ થયાનું કબુલ્યું
પોતાના દેશમાં ઉજવણી કર્યા પછી, પાકિસ્તાને હવે સ્વીકાર્યું છે કે ભારતની જવાબી કાર્યવાહીમાં તેના 11 સૈનિકો માર્યા ગયા હતા અને 78 જવાનો ઘાયલ થયા હતા. આ ઉપરાંત, ગોળીબારમાં 40 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. આ સાથે, પાકિસ્તાને એ પણ સ્વીકાર્યું છે કે ભારતીય મિસાઇલ હુમલામાં પાકિસ્તાની વાયુસેનાને પણ ભારે નુકસાન થયું છે.
તે જ સમયે, ભારતીય સેનાએ તેની જવાબી કાર્યવાહી બાદ આપેલી માહિતીમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ત્યારબાદ થયેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 40 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાની મીડિયા અનુસાર, પાકિસ્તાની સેનાએ મંગળવારે ભારત સાથેની તાજેતરની અથડામણ દરમિયાન લશ્કરી અને નાગરિક જાનહાનિની સત્તાવાર વિગતો જાહેર કરી. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, 6 અને 7 મેના રોજ ભારતીય કાર્યવાહીના જવાબમાં પઓપરેશન બુન્યાન-અન-મર્સાસથ દરમિયાન દેશનું રક્ષણ કરતી વખતે 11 સૈનિકો માર્યા ગયા હતા અને 78 જવાનો ઘાયલ થયા હતા. ભારતીય હુમલામાં માર્યા ગયેલા છ સૈન્ય જવાનોના નામ પણ જાહેર કર્યા છે.
એ ઉપરાંત ભારતીય હુમલાઓમાં પાકિસ્તાન વાયુસેનાને પણ ભારે નુકસાન થયું છે, જેમાં પાંચ વાયુસેના અધિકારીઓ માર્યા ગયા છે. તેમાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ,નો પણ સમાવેશ થાય છે.
પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા (LOC) પારથી થયેલા ગોળીબારમાં લશ્કરી જાનહાનિ ઉપરાંત, ઘણા નાગરિકો પણ ઘાયલ થયા છે. ISPR ના નિવેદન મુજબ, સાત મહિલાઓ અને 15 બાળકો સહિત 40 નાગરિકો માર્યા ગયા, જ્યારે 27 બાળકો અને 10 મહિલાઓ સહિત 121 અન્ય લોકો ઘાયલ થયા.
આ ઉપરાંત, ભારતીય હુમલામાં પાકિસ્તાનને થયેલા નુકસાનના બીજા પુરાવા સામે આવ્યા છે, જ્યાં પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર રાવલપિંડીની એક હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે અને ઘાયલ સૈન્ય કર્મચારીઓને મળી રહ્યા છે અને તેમની તબિયત પૂછી રહ્યા છે. આમ છતાં મુનીરે ભારતને ધમકી આપતા હોય તેમ સેનાના દ્રઢ મનોબળને બિરદાવતા કહ્યું હતું કે દુશ્મનની યોજના તેમની તાકાતને નબળી પાડી શકે નહીં.