બલુચિસ્તાનમાં વિદ્રોહ અને ભરાઇ પડેલા અફઘાનીઓથી પાક. બરાબરનું ભીડાયું છે
એક તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જંગ જામ્યો છે અને પાકિસ્તાનની સરકારે પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકવાદી હુમલા માટે અફઘાનોને જવાબદાર ગણાવીને અફઘાનિસ્તાન પર હલ્લાબોલ કરી દીધું છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર પાકિસ્તાનમાં ધામા નાખીને પડેલ અફઘાનોનો મુદ્દો છેડી દીધો છે. ખ્વાજા આસિફે જાહેર કર્યું છે કે પાકિસ્તાનમાં રહેતા તમામ અફઘાનોએ પોતાના દેશમાં પાછા ફરવું જોઈએ કેમ કે અફઘાનિસ્તાન સાથે સારા સંબંધોનો યુગ સમાપ્ત થઈ ગયો છે. આસિફે તો પાકિસ્તાનમાં થઈ રહેલા હુમલા માટે ભારત પર દોષારોપણ પણ કર્યું છે.
અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો ભારતના ઈશારે પાકિસ્તાનમાં હિંસા આચરી રહ્યા છે અને પાકિસ્તાન આર્મીને નિશાન બનાવી રહ્યા છે એવો દાવો પણ આસિફે કર્યો છે. ખ્વાજા આસિફે દિલ્હીથી તાલિબાનના નિર્ણયો લેવાય છે અને અફઘાનિસ્તાન ભારત માટે પ્રોક્સી યુદ્ધ લડે છે એવો આક્ષેપ પણ કર્યો છે. આસિફે કટાક્ષ પણ કર્યો છે કે, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઘણાં વર્ષોથી સારા સંબંધ છે પણ પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાનના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી છતાં લાખો અફઘાનોએ પાકિસ્તાનમાં આશરો લીધો છે. અફઘાનિસ્તાનના ભારત સાથે આટલા સારા સંબંધો છે એ જોતાં પાકિસ્તાનમાં રહેતા અફઘાનોને ભારતમાં ખસેડી દેવા જોઈએ.
આસિફે ભારત પર કટાક્ષ કરવા જતાં એક સારી ને સાચી વાત એ કહી દીધી કે, પાકિસ્તાન અફઘાનોનો બોજ ઉઠાવી શકે તેમ નથી. પાકિસ્તાન પાસે પોતાનાં લોકો માટે પૂરતાં સંસાધનો નથી તો પછી અફઘાનોને કઈ રીતે નિભાવી શકે? આસિફની આ વાત સાચી છે કેમ કે ભૂખડી બારસ પાકિસ્તાન અફઘાનોનો બોજ ઉઠાવી શકે તેમ નથી પણ આસિફનું નિવેદન પાકિસ્તાનની લુચ્ચાઈને પણ છતું કરે છે. આસિફ જે અફઘાનોની વાત કરે છે એ અફઘાનો કંઈ બે દિવસ પહેલાં પાકિસ્તાનમાં આવ્યા નથી. આ અફઘાનો વરસોથી પાકિસ્તાનમાં જ અડિંગા જમાવીને બેઠા છે પણ પાકિસ્તાને વરસો લગી તેમને કશું ના કર્યું કે, આ અફઘાનોના બહાને અમેરિકાને ખંખેરી શકાતું હતું. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ખસ્યું ને મદદ મળતી બંધ થઈ એટલે પાકિસ્તાનને અફઘાનો બોજ લાગવા માંડયા છે. બ્લુચિસ્તાનમાં વિદ્રોહથી પરેશાન પાકિસ્તાન અફઘાનીઓથી કઇ રીતે છુટકારો મેળવે છે તે જોવું રહ્યું. અમેરિકાએ નાઈન ઈલેવનના હુમલા પછી અફઘાનિસ્તાન પર આક્રમણ કરતાં અફઘાનિસ્તાનમાં અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ ત્યારે અફધાનિસ્તાન છોડીને જઈ રહેલા લોકોને પાકિસ્તાને લીલા તોરણે આવકારેલાને તેમને રાખ્યા હતા કેમ કે અમેરિકાનું તેમને સાચવવાનું ફરમાન હતું.
