દેશની જેમ પાકિસ્તાન ક્રિકેટની પણ અવદશા: પહેલાં જેવી ધાક નથી
ભારતના ક્રિકેટ ચાહકોને મોટી સ્પર્ધાઓમાં ભારત પાકિસ્તાનને હરાવે તેનો તો આનંદ થાય જ છે પણ પાકિસ્તાન હારીને ફેંકાઈ જાય તેનો વધારે આનંદ થાય છે. પાકિસ્તાન અને યુએઈમાં રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ક્રિકેટ ચાહકોને બે દિવસમાં આ બંને આનંદ મળી ગયા.
ભારતે રવિવારે યુએઈમાં પાકિસ્તાનને કારમી હાર આપી અને સોમવારે ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું એ સાથે પાકિસ્તાનનું ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી સાવ નામું નંખાઈ ગયું. ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટમાં રવિવારે રમાયેલી ભારત વિ પાકિસ્તાન મેચ સાથે કુલ છ મુકાબલા થયા છે. આ અગાઉની પાંચ મેચમાંથી પાકિસ્તાનનો 3 મેચમાં વિજય થયો હતો જ્યારે ભારત 2 મેચ જીત્યું હતું.
આ પૈકી 2017ની ફાઈનલમાં તો પાકિસ્તાને ભારતને 180 2ને હરાવીને સાવ રગદોળી નાખ્યું હતું. એ પહેલાં 2004 અને 2009માં પણ પાકિસ્તાન ભારત સામે જીતેલું. એ પછી ભારત 2013માં જીત્યું ને 2017માં રાઉન્ડ મેચમાં પણ ભારત જીતેલું પણ ફાઈનલમાં જીતીને પાકિસ્તાને ભારત પર સરસાઈ મેળવી લીધી હતી. આમ અઆઈસીસીની આ એક જ ટુર્નામેન્ટ એવી છે કે જેમાં પાકિસ્તાનનું પલ્લું ભારત કરતાં ભારે હતું પણ રવિવારે દુબઇ ખાતે રમાયેલી મેચમાં ભારત પાકિસ્તાન સામે 6 વિકેટથી જીતી જતાં હવે સ્કોર 3-3થી બરાબર થઈ ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની હાર પાકિસ્તાન ક્રિકેટની અવદશા દર્શાવે છે. એક સમયે પાકિસ્તાન પાસે તોફાની બેટ્સમેન અને કાતિલ બોલરોની ફોજ હતી.
દુનિયાની ભલભલી ટીમોને ભૂ પિવડાવી દે એવા ખેલાડીઓ પાકિસ્તાન પાસે હતા. પાકિસ્તાનની એવી ધાક હતી કે, ભારતીય ટીમ પણ પાકિસ્તાન સામે રમવા ઊતરે ત્યારે ક્રિકેટ ચાહકોને ફફડાટ રહેતો. હવે પાકિસ્તાનની કોઈ ધાક નથી કે કોઈ ફફડાટ નથી.
પાકિસ્તાન પાસે સતત સારો દેખાવ કરીને જીતાડી શકે એવા ખેલાડીઓ જ નથી. તેનું કારણ પાકિસ્તાનમાં ક્રિકેટના:-માહોલનો અભાવ અને ક્રિકેટમાં ઘૂસેલું રાજકારણ છે. સતત આતંકવાદ વચ્ચે જીવતા પાકિસ્તાનમાં સ્પર્ધાત્મક ક્રિકેટ જ બહુ નથી રમાતું ને બહારની ટીમો જ આવતી નથી. તેના કારણે મોટા ભાગના સારા ખેલાડી વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. જે રહ્યા છે તેમણે પણ સતત તણાવ અને અસલામતી વચ્ચે રમવાનું છે તેથી પાકિસ્તાનની ટીમ સાવ લથડી ગઈ છે.