પાક.ના DGMOએ યુધ્ધવિરામ માટે વિનંતી કરી હતી: ઓપરેશન સિંદૂરની નવી વીડિયો ક્લિપમાં ખુલાસો
ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડે તાજેતરમાં ઓપરેશન સિંદૂર સંબંધિત એક વિડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં પાકિસ્તાનની અંદર આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા સચોટ અને નિર્ણાયક હુમલાઓ દર્શાવવામાં આવ્યા છે.
આ વિડિયો દ્વારા એક મહત્વની વાત પણ સામે આવી છે કે ભારતના આ વળતા પ્રહાર બાદ, પાકિસ્તાને યુદ્ધવિરામ માટે વિનંતી કરવી પડી હતી. સેનાના આ પગલાને સંયમિત પરંતુ નિર્ણાયક પ્રતિભાવ તરીકે વર્ણવવામાં આવ્યો છે.
ભારતીય સેનાએ બુધવારે, 3 સપ્ટેમ્બર, 2025 ના રોજ ઓપરેશન સિંદૂરનો એક વિડિયો જાહેર કર્યો છે, જેણે આતંકવાદ વિરુદ્ધ ભારતના આકરા વલણનો ફરી એકવાર પુરાવો આપ્યો છે. આ વિડિયોમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા સચોટ પ્રહારોની ઝલક જોવા મળે છે. આ યુટ્યુબ લિંકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કેવી રીતે થયો તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે.
આ વિડિયોમાં મે મહિનાની એક ક્લિપ શામેલ છે, જેમાં ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમના પાકિસ્તાની સમકક્ષે યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી. આ ઘટનાએ એવા દાવાઓને પણ ખોટા સાબિત કર્યા કે જેમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરવાનો દાવો કર્યો હતો. ભારતીય સેનાએ પોતાના વિડિયોમાં ભારતના સાર્વભૌમત્વનો ઉલ્લેખ કરતા ભારપૂર્વક જણાવ્યું કે, ભારત કોઈ પણ ત્રીજા પક્ષને મધ્યસ્થી તરીકે સ્વીકારતું નથી. આ વિડિયોનો મુખ્ય સંદેશ છે કે, એક નવી રેખા દોરવામાં આવી છે. આતંકવાદનો નાશ ન થાય ત્યાં સુધી ભારત અટકશે નહીં.