નેપાળમાં ભયાનક ભૂસ્ખલનથી બે બસો નદીમાં ખાબકી, 60થી વધુ મુસાફરો ગુમ
પહાડી પ્રદેશ નેપાળમાં વહેલી સવારે એક ભયાનક માર્ગ દુર્ઘટના ઘટી છે. નેપાળના ચિતવન જિલ્લામાં ભૂસ્ખલનના કારણે લગભગ 63 મુસાફરોને લઇને જતી બે બસો ત્રિશુલ નદીમાં તણાઇ જતા 63માંથી 60 મુસાફરો પણ તણાઇ જવા પામ્યા છે. જયારે ત્રણ મુસાફરોએ બસમાંથી કુદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બન્ને બસના ડ્રાઇવરો સહિત 60 મુસાફરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જેમાં સાત ભારતીયો હોવાના સમાચાર મળી રહ્યા છે. એક બસ ડ્રાઇવરના મોતની પુષ્ટી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નેપાળમાં આજે સવારે ભૂસ્ખલનને કારણે લગભગ 63 મુસાફરોને લઈને બે બસો ત્રિશુલી નદીમાં તણાઇ ગઈ હતી. મળતી માહિતી મુજબ બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માત સવારે લગભગ 3.30 વાગે થયો હતો. ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાદવે કહ્યું કે, અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
નેપાળના ચિતવન જિલ્લા મેજિસ્ટ્રેટ ઈન્દ્રદેવ યાદવના જણાવ્યા અનુસાર રાજધાની કાઠમંડુ જઈ રહેલી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ સવારે લગભગ 3.30 વાગે અકસ્માતનો ભોગ બની હતી. પોલીસે જણાવ્યું કે, કાઠમંડુ જઈ રહેલી બસમાં 24 લોકો અને અન્ય બસમાં 41 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ગણપતિ ડીલક્સમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરો વાહનમાંથી કૂદી પડવામાં સફળ રહ્યા હતા.
આ તરફ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વીટ કર્યું હતું કે, નારાયણગઢ-મુગલીન રોડ સેક્શન પર ભૂસ્ખલન અને પૂરને કારણે સંપત્તિને નુકસાન થવાને કારણે બસ તણાઇ જવાથી લગભગ પાંચ ડઝન મુસાફરોના ગુમ થવાના સમાચારથી મને ખૂબ જ દુ:ખ થયું છે. મેં દેશના જુદા જુદા ભાગોમાં ગૃહ-વહીવટ સહિત સરકારની તમામ એજન્સીઓને મુસાફરોની શોધ કરવા અને તેમને અસરકારક રીતે બચાવવા માટે નિર્દેશ આપ્યો છે.
પોલીસ અધિક્ષક ભાવેશ રિમાલે જણાવ્યું કે, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના જવાનો બચાવ કામગીરી માટે ઘટના સ્થળ તરફ જઈ રહ્યા છે. વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે થયેલા કાટમાળને કારણે નારાયણઘાટ-મુગલિંગ રોડ સેક્શન પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રોડ ડિવિઝન ભરતપુરના જણાવ્યા અનુસાર રસ્તા પરનો ટ્રાફિક પૂર્વવત કરવામાં લગભગ ચાર કલાકનો સમય લાગશે.
અન્ય એક ઘટનામાં બસ ઉપર પથ્થર પડતા એક વ્યક્તિનું મોત
આ તરફ એક અલગ અકસ્માતમાં તે જ રોડ પર બીજી પેસેન્જર બસ પર પથ્થર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. બુટવાલથી કાઠમંડુ જઈ રહેલા બસ ડ્રાઈવર મેઘનાથ બીકે ભૂસ્ખલનને કારણે તેમના વાહન પર પથ્થર પડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નાયબ પોલીસ અધિક્ષક ભેશરાજ રિજાલે જણાવ્યું હતું કે, તેનું ચિતવન મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું.