OMG, યુવાનના પેટમાંથી નીકળી દોઢ ફૂટ લંબાઇની જીવતી માછલી
ચીનના હુનાન પ્રાંતના 33 વર્ષના એક યુવકને પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. તેને ડોક્ટર પાસે લઈ જવાયો અને પીડાનું કારણ સમજવા માટે સ્કેનિંગ કરવામાં આવ્યું તો એનું પરિણામ જોઈને પરિવારજનો તો ઠીક, ડોક્ટરો પણ અચંબિત થઈ ગયા. તપાસમાં ખબર પડી કે તેના પેટમાં એક ફુટ લાંબો કોઈ જીવ છે અને એ હલી પણ રહ્યો છે. આ જીવ કઈ રીતે અંદર પહોંચ્યો એ પેશન્ટ કે ડોક્ટર કોઈને ખબર નથી પડી.
હુનાન મેડિકલ યુનિવર્સિટીના ઇમર્જન્સી રૂૂમમાં પેશન્ટને લઈ જવામાં આવ્યો હતો. આ જીવ જઠર અને આંતરડાંની દીવાલ તોડીને પેટમાં જે બહારની ખાલી જગ્યા હોય ત્યાં ઘૂસી ગયો હતો. એને કારણે દરદીનું પેટ એટલું કડક થઈ ગયું હતું કે જાણે અંદર કોઈ લાકડીઓ લગાવી દીધી હોય. જો તરત જ આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો પેરિટોનિટિસ એટલે કે પેટમાં જીવલેણ ચેપ લાગી જશે એવું ડોક્ટરોને લાગ્યું.
તેમણે તરત લેપ્રોસ્કોપિક ઇમર્જન્સી સર્જરી કરી. પેટ પર કાણું પાડીને કેમેરા નાખીને અંદરથી જોયું તો અંદર ઇલ એટલે કે સાપ જેવી દેખાતી લાંબી માછલી જેવું કંઈક જોવા મળ્યું. આ માછલી આંતરડાંને ચીરીને બહાર નીકળી ગઈ હતી. ડોક્ટરોએ સાવધાનીપૂર્વક એ જીવતી માછલીને ચીપિયાની મદદથી બહાર ખેંચી કાઢી હતી. એ માછલી એકથી દોઢ ફુટ કરતાંય વધુ લાંબી હતી.