હવે ભારતીય દવાઓ પર ટેરિફ: ટંગડી ઊંચી રાખવાની કે રોદણાં રડવાની જરૂર નથી
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ટેરિફની ચાબૂક વીંઝીને વિદેશથી અમેરિકા આવતી બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી દવાઓ પર 100 ટકા ટેરિફ લાદવાનું એલાન કરી દીધું છે. ટ્રમ્પે ભારતથી આવતા માલસામાન પર પહેલાં જ 50 ટકા ટેરિફ લાદી દીધો છે અને આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે.
આ ટેરિફના કારણે ભારતથી અમેરિકા જતાં કપડાં, હીરા, ઝવેરાત, રત્નો, ઘરેણાં, ફર્નિચર અને સીફૂડ સહિતનાં ભારતીય ઉત્પાદનોના અમેરિકામાં ભાવ વધી ગયા છે તેથી ભારતની નિકાસ ઘટવા માંડી છે. ટ્રમ્પે એ વખતે ફાર્માસ્યુટિકલ સેક્ટર પર ટેરિફ નહોતા લાદ્યા તેથી ટ્રમ્પ ભારતની દવા કંપનીઓ પર મહેરબાન થઈ જશે એવું લાગતું હતું પણ ટ્રમ્પે છેવટે ફાર્મા સેકટરને પણ લપેટી લીધું છે. ફાર્મા પ્રોડક્ટ્સની અમેરિકામાં મોટા પાયે નિકાસ થાય છે. બલકે વિદેશમાં જતી ભારતીય દવાઓનું સૌથી મોટું ખરીદદાર જ અમેરિકા છે. 2024માં ભારતની કુલ ફાર્માસ્યુટિકલ નિકાસ 12.72 અબજ ડોલરની ને તેમાં બે તૃતિયાંશ હિસ્સો અમેરિકાનો હતો.
2024માં 8.7 અબજ ડોલર એટલે કે લગભગ રૂૂ. 77,000 કરોડની દવાઓની નિકાસ એકલા અમેરિકામાં થઈ હતી. ટ્રમ્પે ટેરિફનો ખેલ શરૂૂ કર્યો પછી જ્યારે પણ ટ્રમ્પ ટેરિફ લાદે કે ટેરિફ લાદવાની ધમકી આપે એટલે તરત આપણે ત્યાં કહેવાતા નિષ્ણાતોનો વર્ગ મેદાનમાં આવી જાય છે. ટેરિફના કારણે ભારતને નુકસાન નહીં થાય પણ અમેરિકા બરબાદ થઈ જશે એવું કોરસ શરૂૂ થઈ જાય છે. સાવ હાસ્યાસ્પદ લાગે એવી દલીલો કરીને એવું સ્થાપિત કરવા માટે પ્રયત્ન કર્યા કરે છે કે, ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદીને પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યા છે, બાકી ભારતને કોઈ અસર થવાની નથી પણ ટ્રમ્પ બરબાદ થઈ જશે.
અત્યારે એવી દલીલ થઈ રહી છે કે, ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર ટેરિફ લાદ્યો છે જ્યારે ભારતની મુખ્ય નિકાસ તો જેનરિક દવાઓની છે તેથી ભારતને કોઈ અસર નહીં થાય. આ વાત અર્ધસત્ય છે. ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં જેનરિક દવાઓ મોકલે છે એ વાત સાચી પણ દેશની ટોચની ફાર્મા કંપનીઓની બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પણ અમેરિકામાં જાય જ છે. એક સર્વે પ્રમાણે, અમેરિકન ડોક્ટર્સ દ્વારા લખાતી દવાઓમાંથી 40 ટકા દવાઓ ભારતીય કંપનીઓની હોય છે. 100 ટકા ટેરિફના કારણે ભારતીય દવાઓ મોંઘી થશે તેથી ભારતીય દવાઓ લખવાનું પ્રમાણ ઘટશે તેથી ભારતીય કંપનીઓની કમાણીમાં દસેક ટકાનો ફરક પડી જશે એવું મનાય છે. આ સંજોગોમાં ભારતને ફટકો પડશે જ.
ટ્રમ્પ ટેરિફ લાદી રહ્યા છે તેના માટે મોદી સરકાર જવાબદાર નથી કે ભારતના ઉત્પાદકો પણ જવાબદાર નથી. ટ્રમ્પને અમેરિકાને ફરી દુનિયાનો દાદો બનાવવાની સનક ઉપડી તેના કારણે ટેરિફ લાદી રહ્યા છે તેથી આપણે તેના માટે કોઈ અપરાધભાવ અનુભવવાની જરૂૂર નથી કે ટ્રમ્પના ટેરિફના કારણે નુકસાન નથી થવાનું કે અમેરિકા બરબાદ થઈ જશે એવા ભ્રમ પણ ઊભા કરવાની જરૂૂર નથી. આપણે આ સમસ્યાનો સામનો કરવા માટેના રસ્તા અપનાવી જ રહ્યા છીએ ને તેને વળગી રહેવાની જરૂૂર છે. જાગ્યા ત્યારથી સવાર.