નોબેલ વિજેતા મારિયાએ પણ સ્વીકાર્યું કે અસલી હકદાર હું હતો: ટ્રમ્પનું દર્દ છલકાયું
શાંતિનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાની મારિયા કોરિના મચાડોને મળ્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જે વ્યક્તિને નોબેલ પુરસ્કાર મળ્યો છે તેણે આજે મને ફોન કરીને કહ્યું કે, હું આને તમારા સન્માનમાં સ્વીકાર કરી રહી છું કારણ કે, તમે ખરેખર તેના હકદાર હતા. જોકે, મેં એવું ન કહ્યું કે, મને આપી દો. હું તેમની દરેક પ્રકારે મદદ કરૂૂ છું. હું ખુશ છું કારણ કે, મેં લાખો લોકોનો જીવ બચાવ્યો છે.
માચાડોના પુરસ્કારને ટ્રમ્પ માટે વ્યક્તિગત ઝટકો તરીકે જોવામાં આવી રહ્યો છે. તેમણે વારંવાર દાવો કર્યો છે કે, તેમને ચાર કે પાંચ વખત નોબેલ મળવો જોઈતો હતો અને દરેક વ્યક્તિ કહે છે કે તેઓ તેના લાયક છે. છેલ્લા એક વર્ષ દરમિયાન, ટ્રમ્પે નોબેલ પુરસ્કાર માટે સક્રિયપણે ઝુંબેશ ચલાવી છે, પોતાને પ્રેસિડેન્ટ ઑફ પીસ (શાંતિના પ્રમુખ) ગણાવ્યા છે.
સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધતા, તેમણે કહ્યું કે તેમનો શાંતિ રેકોર્ડ બેજોડ છે. તેમણે છ કે સાત યુદ્ધોનો અંત કરવાનો દાવો કર્યો હતો, જેમાં ઇઝરાયલ અને ઈરાન, ભારત અને પાકિસ્તાન તેમજ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના યુદ્ધોનો સમાવેશ થાય છે. પાકિસ્તાન દ્વારા ટ્રમ્પને આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે સત્તાવાર રીતે નામાંકિત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને તેમને શાંતિના ચેમ્પિયન ગણાવ્યા હતા.
મારિયા કોરિના મચાડોને વેનેઝુએલાના લોકો માટે લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. મચાડોને પુરસ્કારના ભાગ રૂૂપે 1.2 મિલિયન ડોલર મળશે. નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે, મચાડોએ વેનેઝુએલામાં લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપ્યું હતું અને સરમુખત્યારશાહીથી શાંતિપૂર્ણ લોકશાહી હાંસલ કરી હતી.
મારિયા કોરિના મચાડો વેનેઝુએલાના લોકતાંત્રિક વિપક્ષની એક અગ્રણી નેતા છે. વર્ષોથી, તેમણે પ્રમુખ નિકોલસ માદુરોની સરમુખત્યારશાહી નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો છે. તેમના આંદોલનને દેશમાં લોકશાહી સુધારાઓ, મહિલા અધિકારો અને રાજકીય સ્વતંત્રતા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. તેમના અહિંસક અભિયાન અને શાંતિપૂર્ણ સંવાદ પર ભાર મૂકવાથી તેઓ લોકશાહી હિંમતનું વૈશ્વિક પ્રતીક બન્યા છે.