એર્ડોગનની પુત્રી સાથે સંબંધ નથી: સેલેબી
સુરક્ષા મંજૂરી કરાર રદ કરાયા પછી તુર્કીની ગ્રાઉન્ડ હેંડલિંગ કંપનીએ કહયું, તે કોઇ વિદેશી સરકાર સાથે સંકળાયેલી નથી
ઇન્ડિયન બ્યુરો ઓફ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા સુરક્ષા મંજૂરી રદ કરવા અંગે તુર્કીની કંપની સેલેબી એવિએશન દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી ખોટી અને ભ્રામક માહિતી ને નકારી કાઢીએ છીએ. કંપનીએ પોતાને એક વ્યાવસાયિક અને નિષ્પક્ષ સંસ્થા તરીકે વર્ણવ્યું છે, જે સંપૂર્ણપણે ભારતીય કાયદાઓ હેઠળ કાર્યરત છે. કંપનીએ કહ્યું કે તે કોઈપણ વિદેશી સરકાર, રાજકીય પક્ષ કે વ્યક્તિ સાથે સંકળાયેલી નથી.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પ્રોવાઇડર કંપની સેલેબી એવિએશનનો સુરક્ષા મંજૂરી કરાર તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે. આ પગલું રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં લેવામાં આવ્યું છે, જેની પુષ્ટિ એક સત્તાવાર આદેશમાં કરવામાં આવી છે.
ભારતની આ કાર્યવાહી બાદ, તુર્કીની કંપની સેલેબીએ સ્પષ્ટતા કરી કે તે 65% આંતરરાષ્ટ્રીય રોકાણકારોની માલિકીની છે, જે કેનેડા, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, યુએઈ અને પશ્ચિમ યુરોપ જેવા દેશોના છે. આ 65% માંથી 15% હિસ્સો ડચ કંપની આલ્ફા એરપોર્ટ સર્વિસીસ બીવી પાસે છે, જ્યારે તુર્કીના સેલેબિઓગ્લુ પરિવારના બે સભ્યો - જાન અને કેનન સેલેબિઓગ્લુ - સંયુક્ત રીતે 35% હિસ્સો ધરાવે છે, જે બંને કોઈપણ રાજકીય સંગઠન સાથે સંકળાયેલા નથી.
સેલેબી એવિએશનનો દાવો છે કે તે છેલ્લા 15 વર્ષથી ભારતમાં કાર્યરત છે અને દેશના નવ મુખ્ય એરપોર્ટ પર ગ્રાઉન્ડ એરક્રાફ્ટ ઓપરેશન્સ અને કાર્ગો સેવાઓ પૂરી પાડે છે. કંપનીએ જણાવ્યું હતું કે તે 10,000 થી વધુ ભારતીયોને સીધી રીતે રોજગારી આપે છે અને અત્યાર સુધીમાં 220 મિલિયનથી વધુનું રોકાણ કરી ચૂકી છે.
સેલેબીએ સ્પષ્ટપણે સુમેયે એર્દોગન (તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનની પુત્રી) સાથે કોઈપણ જોડાણ કે માલિકીનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે તેમનું કંપનીમાં કોઈ રોકાણ કે સંડોવણી નથી. આ આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે.
મેટ્રોથી ટનલ સુધી: તુર્કીએનું ભારતમાં કરોડોનું રોકાણ
ભારત અને પાકિસ્તાનના તણાવની વચ્ચે તુર્કી દ્વારા પાકિસ્તાનને સમર્થન કરવા પર ભારતે કડક વલણ અપનાવ્યુ છે. સરકાર હવે દેશભરમાં ચાલતા તુર્કીના રોકાણવાળા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા જઇ રહી છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી સહિત 5 રાજ્યોમાં ચાલી રહેલા મેટ્રો, ટનલ અને નિર્માણ પ્રોજેક્ટ્સ પર તેની સીધી અસર પડી શકે છે. એપ્રિલ 2000માં સપ્ટેમ્બર 2024 સુધીમાં તુર્કીમાંથી 24 કરોડ ડોલરનું એફડીઆઇ ભારતમાં આવ્યું હતું. આટલા રોકાણ સાથે તુર્કી ભારતમાં એફડીઆઇ ઇક્વિટી પ્રવાહમાં 45માં સ્થાને છે. બન્ને દેશો વચ્ચે નાણાંકીય વર્ષ 2023-24માં 10.4 અબજ ડોલર (આશરે 92 હજાર કરોડ રૂૂપિયા)નો બન્ને દેશો વચ્ચેનો વેપાર રહ્યો હતો.