યમનમાં નિમિષા હાલ બચી ગઇ પણ આ કેસ ભારતીયોના શોષણનો દાખલો છે
યમનની જેલમાં 2018થી સબડી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈ ને બુધવારે ફાંસી થવાની હતી પણ નિમિષાનાં નસીબ જોર કરતાં હશે એટલે ફરી એક વાર ફાંસીની સજા મુલતવી રહી છે. નિમિષાને મળેલી રાહત કામચલાઉ છે પણ તેના કારણે નિમિષા બચી જાય એવી આછીપાતળી આશા પાછી જાગી છે એ કબૂલવું પડે. 34 વર્ષની નિમિષાને તેના બિઝનેસ પાર્ટનર તલાલ આબ્દો મહદીની હત્યાના કેસમાં 2020માં ફાંસીની સજા થઈ છે. નિમિષાએ સજા સામે યમનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી પણ કોર્ટે ફાંસીની સજા સામેની અપીલ ફગાવી દેતાં નિમિષા પાસે બચવા માટે ’દિયાહ (બ્લડ મની)’ આપીને મૃતકના પરિવાર સાથે સોદાબાજી કરવાનો છેલ્લો વિકલ્પ બચ્યો છે.
યમનમાં અમલી મુસ્લિમ કાયદા એટલે કે શરિયા પ્રમાણે નિમિષાનો પરિવાર તલાલના પરિવારને ‘બ્લડ મની’ આપે તેના બદલામાં તલાલનો પરિવાર નિમિષાને માફી આપી દે તો નિમિષા છૂટી શકે. સામાન્ય સંજોગોમાં કોઈ ભારતીય નાગરિક વિદેશમાં ફસાય કે મુશ્કેલીમાં મુકાય તો ભારત સરકાર તેને મદદ કરતી હોય છે. નિમિષાના કિસ્સામાં તકલીફ એ થઈ કે, ભારત અને યમન વચ્ચે રાજદ્વારી સંબંધો નથી તેથી ભારતના નાગરિકોને યમન જવાની મંજૂરી નથી. આ સંજોગોમાં ’બ્લડ મની’ એકઠા કરાય તો પણ નિમિષા વતી મૃતક તલાલના પરિવાર સાથે કોણ ચર્ચા કરે એ સવાલ હતો.
દિલ્હી હાઈ કોર્ટે માનવીય અભિગમ બતાવીને નિમિષાની મા પ્રેમા કુમારીને યમન જવા દેવા માટે નિયમોમાં છૂટ આપવા ભારત સરકારને આદેશ આપતાં પ્રેમા યમન ગઈ છે. નિમિષાના પરિવારે ‘બ્લડ મની’ પેટે આપવા 10 લાખ ડોલર એટલે કે લગભગ 8.5 કરોડ રૂૂપિયા ભેગા કરી લીધા છે. ‘બ્લડ મની’ આપીને નિમિષાને બચાવવા નિમિષાની માતા તથા બીજાં સગાં વાટાઘાટો પણ કરી રહ્યાં છે પણ મહદીનો પરિવાર ‘બ્લડ મની’ લેવા તૈયાર નથી.
તેમને નિમિષાને ફાંસીથી ઓછું કશું ખપતું નથી તેથી નિમિષાને ફાંસી થશે એ નક્કી લાગતું હતું ને બુધવારે તેનો ખેલ ખતમ થઈ જશે એ પણ નક્કી હતું ત્યાં અચાનક જ આવેલી રાહતે નિમિષાનો જીવ બચાવી શકાશે એવી આશા ઊભી કરી છે. નિમિષાનું હવે શું થશે એ ખબર નથી પણ નિમિષાના કેસે મુસ્લિમ દેશો દેશોમાં કામ કરતા ભારતીયોના શોષણનો મુદ્દા તરફ ફરી ધ્યાન આકર્ષિત બાકર્ષિત કર્યું છે. કેરળ સહિતનાં રાજ્યોમાંથી હજારે ભારતીયો આરબ દેશોમાં નોકરી કરે છે. તેમાંથી મોટા ભાગનાનું આર્થિક, માનસિક, શારિરીક એમ તમામ પ્રકારે શોષણ થાય છે. આરબ દેશોની કફાલા પ્રથામાં નોકરીદાતા નોકરનો પાસપોર્ટ તથા બીજા દસ્તાવેજો પોતાની પાસે રાખે છે તેથી શોષણ કરવાનો પરવાનો મળે છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન કફાલાને ગુલામીની ગણાવીને નાબૂદ કરવા કહે છે પણ આરબ રાષ્ટ્રોને તેમાં રસ નથી. તેના કારણે નિમિષા જેવી હજારો દીકરીઓ શોષણનો ભોગ બનીને જીવે છે.