ન્યૂયોર્કે સાર્વભૌમત્વ ગુમાવ્યું, મામદાનીની જીત પર ટ્રમ્પ ગુસ્સે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં ઝોહરાન મામદાનીના મોટા વિજય બાદ અમેરિકાએ તેનું સાર્વભૌમત્વ (Sovereignty) ગુમાવ્યું હોવાનો દાવો કર્યો છે. બુધવારે મિયામીમાં આયોજિત એક બિઝનેસ ઇવેન્ટમાં બોલતા, ટ્રમ્પે દાવો કર્યો હતો કે દેશનું આ સૌથી મોટું શહેર સામ્યવાદ (Communism) તરફ આગળ વધશે.
તેમણે ચેતવણી આપી કે તેઓ આ પરિસ્થિતિને સંબોધિત કરશે, જોકે તેમણે કેવી રીતે તે સ્પષ્ટ કર્યું નહોતું. ટ્રમ્પે વિગતો આપ્યા વિના કહ્યું હતું કે, અમે તેની સંભાળ લઈશું. મામદાનીના વિજયના એક દિવસ પછી, ટ્રમ્પે મિયામીમાં સંબોધન કરતાં એમ પણ કહ્યું કે મિયામી ટૂંક સમયમાં ન્યૂયોર્કમાં સામ્યવાદથી ભાગી રહેલા લોકો માટે આશ્રયસ્થાન બની જશે. તેમણે દેશની સામેના નિર્ણયને વધુ સ્પષ્ટ ગણાવ્યો. આપણી પાસે સામ્યવાદ અને સામાન્ય સમજ વચ્ચે પસંદગી છે. અથવા આર્થિક દુ:સ્વપ્ન અને આર્થિક ચમત્કાર વચ્ચેની પસંદગી છે. આ કાર્યક્રમ ડેમોક્રેટ કમલા હેરિસ પર ટ્રમ્પની ચૂંટણી જીતની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે યોજાયો હતો.
મિયામીના કાસેયા સેન્ટર ખાતેના અમેરિકા બિઝનેસ ફોરમમાં, પ્રમુખ ટ્રમ્પે તેમના સમર્થકોને સંબોધન કર્યા પછી સ્ટેજ પર તેમના સિગ્નેચર ડાન્સ મૂવ્સ પણ બતાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ટ્રમ્પે આ દરમિયાન પોતાના શાસન હેઠળ અર્થતંત્રમાં થયેલા સુધારા અને ભાવમાં ઘટાડાની પણ વાત કરી હતી.
