અરાજકતાની આગમાં હોમાતું નેપાળ, સેનાએ શાસન ધૂરા સંભાળી
લશ્કરી વડાએ શાંતિની અપીલ સાથે તોફાનીઓને ચેતવ્યા: પશુપતિનાથ મંદિર બંધ: તોફાનીઓએ બે જેલ તોડી નાખતા 1600થી વધુ કેદીઓ નાસી છૂટ્યા: ભારત સરકારે સરહદે સતર્કતા વધારી
નેપાળમાં વિરોધીઓએ રાષ્ટ્રપતિ નિવાસ, સુપ્રીમ કોર્ટ, સંસદ અને અન્ય મુખ્ય સરકારી ઇમારતોમાં તોડફોડ અને આગજની કર્યા વચ્ચે ઓલીના મંત્રીમંડળના સભ્યોના એક પછી એક રાજીનામા બાદ, ઓલીએ પણ હાર સ્વીકારી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને પોતાનું રાજીનામું સોંપ્યું, જે સ્વીકારાયું. આ દરમિયાન, નેપાળી સેના દેશભરમાં સુરક્ષા સ્થિતિને સંભાળવા તૈયારી કરી રહી છે, જ્યારે આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગ્ડેલે શાંતિની અપીલ કરી છે. સાથે હવે સત્તા પણ હાથમાં લીધી છે. દરમિયાન મહોતરી જિલ્લાના જલેશ્વરમાં તોફાનીઓએ જેલ તોડી નાખતા ત્યાંના 577 કેદોઓમાંથી 576 કેદોએ ભાગી ગયા હતા. ખોખરા જેલમાંથી પણ 900 કેદીઓ ભાગી ગયા હતા. કાઠમંડુની નખુ જેલમાંથી કેદીઓ બહાર નિકળ્યાના પણ સમાચાર છે. તોફાનીઓએ આ જેલને આગ લગાવી દીધી હતી. એ પછી ભૂતપૂર્વ ગૃહમંત્રી રવિ લામિછાને આ જેલમાં બંધ હતા. તેમને સમર્થકો તેમને ઘરે લઇ ગયા હતા.
મંગળવારે સાંજે જનરલ અશોક રાજ સિગ્ડેલે 2 મિનિટ 40 સેક્ધડના વીડિયો સંદેશમાં નાગરિકોને શાંતિ અને સુરક્ષા જાળવવા વિનંતી કરી. તેમણે પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિ અને જાનમાલના નુકસાન પર દુ:ખ વ્યક્ત કર્યું અને પ્રદર્શનકારીઓને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હાકલ કરી. તેમણે જણાવ્યું, વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિને સામાન્ય બનાવવી અને રાષ્ટ્રના સર્વોચ્ચ હિતોનું રક્ષણ કરવું એ દરેક નેપાળીની સહિયારી જવાબદારી છે. હું વિરોધ કાર્યક્રમો સ્થગિત કરવા અને વાતચીતનો માર્ગ અપનાવવા અપીલ કરું છું. ત્યારબાદ સુરક્ષાના કારણોસર પશુપતિનાથ મંદિર બંધ કરાયું હતું. ભારતે પણ સાવધાની વર્તી સરહદે સતર્કતા વધારી છે. આજે રાતે 10 વાગ્યાથી દેશ અને નાગરિકોની સુરક્ષા માટે સેના તહેનાત કરવા આર્મીવડાએ જાહેરાત કરી છે. આજે સેનાએ પાટનગરમાં કુચ પણ યોજી હતી.
વિરોધ પ્રદર્શનો દરમિયાન સંસદ ભવન, સિંઘા દરબાર, અને ઘણા રાજકીય નેતાઓના નિવાસસ્થાનો પર હુમલા થયા. વડાપ્રધાન ઓલી અને રાષ્ટ્રપતિ પૌડેલના ઘરોમાં આગજની થઈ, જ્યારે પૂર્વ વડાપ્રધાનો પુષ્પ કમલ દહાલ પ્રચંડ અને શેર બહાદુર દેઉબાના નિવાસસ્થાનોમાં તોડફોડ થઈ. જ્યારે હિંસા વધી અને નેતાઓ પર સીધા હુમલા થયા, ત્યારે નેપાળી સેનાએ માનવતાવાદી ધોરણે હસ્તક્ષેપ કરીને ઓલી સહિત અન્ય નેતાઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.
નેપાળની હિંસા હૃદયદ્રાવક ગણાવી મોદીએ પડોશી દેશની સ્થિતિની બેઠકમાં સમીક્ષા કરી
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર નેપાળી ભાષામાં લખ્યું - આજે, હિમાચલ પ્રદેશ અને પંજાબના પ્રવાસથી પાછા ફર્યા બાદ સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠકમાં નેપાળમાં થયેલા વિકાસની વિગતવાર ચર્ચા કરવામાં આવી. નેપાળમાં થયેલી હિંસા હૃદયદ્રાવક છે. એ જાણીને ખૂબ જ દુ:ખ થાય છે કે તેમાં ઘણા યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નેપાળની સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું નેપાળના મારા બધા ભાઈઓ અને બહેનોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે નમ્રતાપૂર્વક અપીલ કરું છું.
રાજીનામા બાદ કે.પી. ઓલી દુબઇ ભાગ્યા? એર હોસ્ટેસનો દાવો
ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલી રાજીનામું આપ્યા પછી દેશ છોડીને દુબઈ ભાગી ગયાના અહેવાલો છે. એક નેપાળી એર હોસ્ટેસે એરપોર્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓલી કાઠમંડુથી દુબઈ જવા રવાના થયા છે. તેઓ તબીબી સારવારના બહાને દુબઈ ગયા છે. અને હિમાલય એરલાઇન્સના એક જેટને પણ તેમના માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું. દરમિયાન, લલિતપુરના ભૈસેપતિ વિસ્તારમાં હેલિકોપ્ટર ઉડતા જોવા મળ્યા બાદ આ અટકળોને વધુ વેગ મળ્યો છે.