નેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇ
જેન-જી સાથે સેના પ્રમુખ, રાષ્ટ્રપતિ, અગ્રણીઓની બેઠક બાદ નિર્ણય
નેપાળમાં GEN-Gના બે જૂથોમાં વિભાજન થવાને કારણે, રાષ્ટ્રપતિ સહિત સેનાની બેઠકો આખી રાત ચાલુ રહી. મધ્યરાત્રિ પછી ઘણી વિચાર-વિમર્શ પછી, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારની કમાન સોંપવા પર સંમતિ સધાઈ. સુશીલા કાર્કી અંગે GEN-Gમાં મતભેદોને કારણે, સેના પ્રમુખ શોકરાજ સિગ્દેલ અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને સખત મહેનત કરવી પડી.
શીતલ નિવાસમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના નેતૃત્વમાં ગુરુવારે મોડી રાત્રે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં, વચગાળાની સરકારનું નેતૃત્વ નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને સોંપવા પર સંમતિ સધાઈ છે. રાષ્ટ્રપતિ પૌડેલ દ્વારા બોલાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં આર્મી ચીફ અશોકરાજ સિગ્દેલ, વરિષ્ઠ કાનૂની નિષ્ણાત ઓમપ્રકાશ આર્યલ, સુશીલા કાર્કી અને અન્ય અગ્રણી હસ્તીઓ હાજર હતી.
મીટિંગમાં વચગાળાની સરકારની રચનાની પ્રક્રિયા તેમજ સંસદ ભંગ કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જોકે આ વિષય પર GEN-G સાથેના મતભેદો પણ સામે આવ્યા હતા. નેપાળમાં જૂની પરંપરાને અનુસરીને, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાની સરકારની કમાન સોંપવા અંગે GEN-G જૂથોમાં સર્વસંમતિ બની છે. GEN-Gના યુવાનો ઇચ્છે છે કે પહેલા સંસદ ભંગની જાહેરાત કરવામાં આવે અને પછી વચગાળાની સરકાર રચાય. GEN-Gના પ્રતિનિધિઓ આ માંગ પર અડગ રહ્યા. જોકે, સંસદ ભંગ કરવાનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, GEN-G ના પ્રતિનિધિઓએ આર્મી ચીફને વિનંતી પણ કરી હતી કે રાષ્ટ્રપતિ પૌડેલ અને કોઈપણ જૂના રાજકીય પક્ષની વચગાળાની સરકારમાં કોઈપણ સ્વરૂૂપમાં કોઈ ભૂમિકા ન હોવી જોઈએ. આ બંને મુદ્દાઓ પર શુક્રવારે સવારે પણ વધુ ચર્ચા ચાલી રહી છે. GEN-Gના યુવાનોએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી સંસદ ભંગ કરવાની અને રાષ્ટ્રપતિ સહિત જૂના પક્ષોને સંસદમાંથી બહાર રાખવાની તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વાતચીત આગળ વધશે નહીં. આવી સ્થિતિમાં, વચગાળાની સરકારની રચનામાં વધુ વિલંબ થવાની સંભાવના છે.