મારી પત્ની ખ્રિસ્તી નથી અને તેમનો ધર્મ બદલવાનો કોઈ ઈરાદો પણ નથી
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સને યુનિવર્સિટી ઑફ મિસિસિપીમાં ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન એક દક્ષિણ એશિયાઈ મહિલાએ તેમની આસ્થા, પત્ની ઉષા વેન્સ સાથેના આંતર-ધાર્મિક લગ્ન અને ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિઓ વિશે સવાલ કર્યા હતા. આ સંવાદ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં મહિલાએ વેન્સને કહ્યું હતું કે, તે તેમની ઘણી વાતો સાથે સહમત નથી.
જોકે, આ દરમિયાન વેન્સના નિવેદનથી પત્ની ઉષાને ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરિત કરવા અંગેનો વિવાદ ઊભો થયો હતો, જેના પર જે ડી વેન્સે બાદમાં સ્પષ્ટતા પણ આપી છે. વિવાદ ત્યારે શરૂૂ થયો જ્યારે એક યુનિવર્સિટી કાર્યક્રમમાં વેન્સે કહ્યું હતું કે તેમને આશા છે કે એક દિવસ તેમની પત્ની ખ્રિસ્તી ધર્મ અપનાવી શકે છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેમની ટીકા કરી હતી અને તેને ઉષાની હિન્દુ ઓળખનું અનાદર ગણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એક સવાલના જવાબમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈચ્છે છે કે તેમની પત્ની પણ ‘ખ્રિસ્તી બને’, તો વેન્સે કહ્યું કે ધર્મ વ્યક્તિગત મામલો છે અને તેનાથી તેમના સંબંધો પર ક્યારેય અસર થઈ નથી. તેમણે કહ્યું, ‘જો તે ધર્મ પરિવર્તન ન પણ કરે, તો પણ તે તેમનો નિર્ણય છે. ભગવાને દરેકને સ્વતંત્ર ઇચ્છા આપી છે.’ વિવાદ પછી વેન્સે લખ્યું, ‘મારી પત્ની ખ્રિસ્તી નથી અને તેમનો ધર્મ બદલવાનો કોઈ ઇરાદો પણ નથી. પરંતુ કોઈપણ આંતર-ધાર્મિક લગ્નની જેમ, હું પણ આશા રાખું છું કે કદાચ એક દિવસ તે મારા દૃષ્ટિકોણથી વસ્તુઓને જુએ.’
તેમણે એ પણ કહ્યું કે તે હંમેશા તેમની પત્નીને પ્રેમ અને સમર્થન આપતા રહેશે.