મસ્ક બનશે વિશ્ર્વના પ્રથમ ટ્રિલિયોનેર, વાર્ષિક 8.32 લાખ કરોડનો પગાર મંજૂર
ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ના શેરધારકોએ ગુરુવારે સીઈઓ ઇલોન મસ્ક ના મલ્ટિબિલિયન-ડોલરના પગાર પેકેજને મંજૂરી આપી દીધી છે. આ પેકેજ હેઠળ જો મસ્ક લાંબા ગાળાના તમામ પ્રદર્શન લક્ષ્યો પૂરા કરે, તો તે 1 ટ્રિલિયન (આશરે રૂ. 80 લાખ કરોડથી વધુ) સુધીની કમાણી કરી શકે છે. આ મંજૂરી સાથે, મસ્ક ઇતિહાસમાં પ્રથમ ટ્રિલિયોનેર બનવાનો માર્ગ મોકળો કરી શકે છે.
ટેસ્લાની વાર્ષિક બેઠક દરમિયાન 75%થી વધુ શેરધારકોએ આ યોજનાના પક્ષમાં મતદાન કર્યું હતું, જેનું ઘોષણા થતાં જ સભાઓમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. મસ્કે સ્ટેજ પર આવીને કહ્યું કે અમે જે શરૂૂ કરવા જઈ રહ્યા છીએ તે માત્ર ટેસ્લાના ભવિષ્યનો એક નવો અધ્યાય નથી, પરંતુ એક આખી નવી પુસ્તક છે. જોકે, આ ભવ્ય વળતર આસાનીથી મળશે નહીં. આ પેકેજ એક ડઝન મહત્વાકાંક્ષી નાણાકીય અને ઓપરેશનલ લક્ષ્યો સાથે જોડાયેલું છે.
મસ્કને સંપૂર્ણ પેકેજ મેળવવા માટે: ટેસ્લાની માર્કેટ વેલ્યુને વર્તમાન સ્તરથી લગભગ છ ગણી વધારીને 8.5 ટ્રિલિયન સુધી પહોંચાડવી પડશે. આગામી 10 વર્ષમાં 20 મિલિયન વાહનોનું વેચાણ કરવું પડશે. 1 મિલિયન હ્યુમનોઇડ રોબોટ્સ લોન્ચ કરવા પડશે. 10 મિલિયન ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ સબ્સ્ક્રિપ્શન્સનું વેચાણ કરવું પડશે.
આ પગાર યોજના મસ્કને ઓછામાં ઓછા સાડા સાત વર્ષ માટે ટેસ્લામાં જાળવી રાખવા માટે રચવામાં આવી છે, અને જો તે સફળ થાય તો કંપનીમાં તેમનો હિસ્સો લગભગ 30% સુધી બમણો થઈ શકે છે. ઘણા રોકાણકારો માને છે કે મસ્કનું નેતૃત્વ કંપનીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેલ્ફ-ડ્રાઇવિંગ ટેક્નોલોજી અને રોબોટિક્સ જેવા ક્ષેત્રોમાં હરીફોથી આગળ રાખવા માટે આવશ્યક છે.
