ટ્રમ્પ સામે નહોર ભરાવીને મસ્કે પોતાના સામ્રાજય માટે જોખમ વહોરી લીધું છે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક વચ્ચેના ઝગડાએ ધાર્યા કરતાં વધારે વરવું સ્વરૂૂપ ધારણ કરી લીધું છે. મસ્કે ટ્રમ્પનો સાથ છોડયો પછી ટ્રમ્પના વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટનો વિરોધ કરેલો તેથી લાગતું હતું કે, બંને વચ્ચે વૈચારિક મતભેદો છે પણ હવે બંને જાહેરમાં એકબીજા પર અંગત આક્ષેપો કરવા માંડયા છે તેના પરથી સ્પષ્ટ છે કે, બંનેના સંબંધો સાવ બગડી ગયા છે અને બંને એકબીજાનું બોર્ડ પતાવી દેવા માટે આરપારની લડાઈના મૂડમાં છે. મસ્કે ટ્રમ્પને અમેરિકાના પ્રમુખપદેથી હટાવીને વાઈસ પ્રેસિડેન્ટ જે.ડી. વેન્સને પ્રમુખ બનાવવાની માગ કરી છે. મસ્કે એપસ્ટેઈન ફાઈલમાં ટ્રમ્પનું નામ હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ટ્રમ્પનું નામ સેક્સ અપરાધી સાથે જોડાયેલું છે તેથી ટ્રમ્પ સામે ઈમ્પીચમેન્ટ મોશન લાવીને તેમને તગેડી મૂકવા જોઈએ. ટ્રમ્પનું નામ એપ્સટિનની ફાઇલોમાં છે. આ જ કારણ છે કે તેને જાહેર કરવામાં આવી નથી.
સામે ટ્રમ્પનું કહેવું છે કે, પોતે મસ્કની કંપનીઓને અમેરિકાની સરકાર દ્વારા અપાતી સરકારી સબસિડી કરાર અને કરાર બંધ કરવાનું નક્કી કર્યું તેમાં મસ્ક સાવ પાગલ થઈ ગયો છે. અમેરિકામાં જેફરી એપ્સટેઈન વિકૃતિનો પર્યાય મનાય છે. આ હાઇ-પ્રોફાઇલ ક્રિમિનલ કેસમાં અમેરિકાના ઘણા ધનિકો અને સેલિબ્રિટીઓનાં નામ બહાર આવ્યાં હતાં. અમેરિકન અબજોપતિ જેફરી એપ્સટિન સામે સગીર છોકરીઓનું જાતીય શોષણ અને ધનિકોની સેક્સ ભૂખ સંતોષવા તેમને સગીર છોકરા-છોકરીઓ સપ્લાય કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એક્સ્ટેઈનને વેશ્યાવૃત્તિ અને સગીરોને બળજબરીથી સેક્સની ફરજ પાડવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો પણ સરકાર સાથે સોદાબાજી કરી લેતાં ફક્ત 13 મહિનાની જેલ થઈ હતી.
2019માં ફ્લોરિડા અને ન્યૂ યોર્કમાં એક્સ્ટેઈનની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. 10 ઓગસ્ટ, 2019ના રોજ એપસ્ટેઈને જેલમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ટ્રમ્પ સામેના બળાત્કારના કેસો, મહિલાએ સાથે બળજબરીથી સેક્સ સંબંધો બાંધવા, પોર્ન સ્ટાર્સ સાથે રંગરેલિયાં મનાવવા, મોડલો સાથે અય્યાશીઓ વગેરેની વાતો નવી નથી. ટ્રમ્પને એક લેખિકા પર મોલના ટ્રાયલ રૂૂમમાં બળાત્કાર કર્યા પછી તેના વિશે જૂઠાણા ફેલાવવા બદલ કરોડોનો દંડ પણ થયો છે. બીજા આ પ્રકારના કેસોમાં પણ ટ્રમ્પ દોષિત ઠરેલા છે. ટ્રમ્પ મસ્કને મોટો ફટકો મારી દેશે તેમાં બેમત નથી કેમ કે ટ્રમ્પ પાસે સત્તા છે અને પોતાની સામે પડે તેને પતાવી દેવા માટે સત્તાનો દુરૂૂપયોગ કરવામાં પણ ટ્રમ્પને કોઈ છોછ નથી. સામે ટ્રમ્પને મસ્ક બહુ નુકસાન કરી શકે તેમ નથી. બહુ બહુ તો ટ્રમ્પનું બિગ બ્યૂટીફુલ બિલ યુએસ સેનેટમાં પસાર ના થવા દે એવું બને.