અમેરિકાના ઉટાહમાં ઇસ્કોન મંદિર ઉપર અનેક રાઉન્ડ ગોળીબાર
ખાલિસ્તાની જૂથો સામે સોશિયલ મીડિયામાં ચિંધાતી આંગળી
1 જુલાઈ, 2025ની રાત્રે અમેરિકાના ઉટાહના સ્પેનિશ ફોર્કમાં આવેલા પ્રખ્યાત ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર પર ફરી એકવાર ગોળીબાર કરવામાં આવ્યો. છેલ્લા કેટલાક દિવસોમાં આ મંદિર પર 20 થી 30 ગોળીઓ ચલાવવામાં આવી છે, જેને લોકો નફરતના ગુનાનો ભાગ માની રહ્યા છે. આ હુમલાઓ રાત્રે થયા હતા, જ્યારે ભક્તો અને મહેમાનો મંદિરમાં હાજર હતા.આ હુમલાઓ મંદિરની સુંદર હાથથી બનાવેલી કમાનોમાં ગોળી વાગવાથી મંદિરને હજારો ડોલરનું નુકસાન થયું છે.
ઇસ્કોને ટ્વિટ કર્યું કે- હોળીના તહેવાર માટે પ્રખ્યાત અમારું શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર તાજેતરના દિવસોમાં હેટ ક્રાઈમનો ભોગ બન્યું છે. મંદિર અને આસપાસના વિસ્તારમાં 20-30 ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું. આ સમાચાર સાંભળીને હિન્દુ સમુદાયમાં ગુસ્સો અને ભયનો માહોલ છે.
આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા, સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલેટે એક કડક નિવેદન બહાર પાડ્યું. તેમણે કહ્યું- અમે આ ગોળીબારની ઘટનાની સખત નિંદા કરીએ છીએ. અમે બધા ભક્તો અને સમુદાય સાથે ઉભા છીએ અને સ્થાનિક પોલીસને અપીલ કરીએ છીએ કે તેઓ શક્ય તેટલી વહેલી તકે ગુનેગારોને પકડે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેને ખાલિસ્તાની જૂથો સાથે જોડી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.