આફ્રિકા-સ્વીડન બાદ આ દેશમાં ફેલાયો Mpox વાયરસ, મળી આવ્યા ત્રણ દર્દીઓ
વિશ્વ થોડા સમય પહેલા જ કોવિડ-19 વાયરસના ભયમાંથી બહાર આવ્યું. પરંતુ હવે વધુ એક વાયરસે ચિંતા વધારી દીધી છે. આ વાયરસનું નામ Mpox છે, જેના સંદર્ભમાં WHOએ વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આરોગ્ય એજન્સીએ તેને 'ગ્રેડ 3 ઈમરજન્સી' તરીકે વર્ગીકૃત કર્યું છે જેનો અર્થ છે કે તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં 27,000થી વધુ કેસ નોંધાયા છે અને લગભગ 1100 મૃત્યુ નોંધાયા છે. કોંગોના કેટલાક ભાગો ઉપરાંત, આ વાયરસ હવે પૂર્વીય કોંગોથી રવાન્ડા, યુગાન્ડા, બુરુન્ડી અને કેન્યામાં ફેલાયો છે.
અત્યાર સુધી, એમપોક્સ વાયરસના કેસ ફક્ત આફ્રિકામાં જ જોવા મળતા હતા, પરંતુ હવે આફ્રિકાની બહાર પણ તેના કેસ મળવા લાગ્યા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના આરોગ્ય વિભાગ અનુસાર સ્વીડન પછી, પાકિસ્તાનમાં Mpox વાયરસથી સંક્રમિત ત્રણ દર્દીઓ મળી આવ્યા છે. આ દર્દી સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પાકિસ્તાન પહોંચયની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
આ અગાઉ સ્વીડને પણ ગુરુવારે (15 ઓગસ્ટ) તેના Mpoxના પ્રથમ કેસની પુષ્ટિ કરી હતી, જે આફ્રિકાની બહાર જોવા મળેલો પ્રથમ કેસ પણ હતો. માત્ર એક દિવસ પહેલા, વિશ્વ આરોગ્ય સંસ્થાએ બે વર્ષમાં બીજી વખત આ રોગને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.
ચેપગ્રસ્ત વ્યક્તિને આફ્રિકાના એવા ભાગમાં રહેતા હતા જ્યારે તે વાયરસનો ચેપ લાગ્યો હતો, જ્યાં આ રોગ વ્યાપક છે.
Mpox નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. કોંગોમાં વધુ ગંભીર પ્રકારનો રોગ આસપાસના દેશોમાં ફેલાઈ ગયા બાદ WHOએ તેને સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. સ્વીડનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, 'પુષ્ટિ થઈ છે કે સ્વીડનમાં ક્લેડ-1 નામના એમપોક્સના વધુ ગંભીર પ્રકારનો કેસ છે.'
યુએનના નાયબ પ્રવક્તા ફરહાન હકે ગુરુવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની જાહેરાતને પુનરાવર્તિત કરી, MPOX વાયરસને 'આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી' ગણાવી. તેમણે કહ્યું કે WHO એમપોક્સ વાયરસ આફ્રિકા અને સંભવતઃ ખંડની બહારના દેશોમાં ફેલાવાની સંભાવના વિશે પણ ચેતવણી આપી રહ્યું છે.
MPOX શું છે?
મંકીપોક્સ એ એક વાયરલ રોગ છે જે મંકીપોક્સ વાયરસથી થાય છે, જે ઓર્થોપોક્સ વાયરસ જીનસની એક પ્રજાતિ છે. એમપોક્સ પહેલા મંકીપોક્સ તરીકે ઓળખાતું હતું. 1958માં વાંદરાઓમાં 'પોક્સ-જેવો' રોગ ફાટી નીકળ્યો ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા આ વાઈરસને સૌપ્રથમ ઓળખવામાં આવ્યો હતો. Mpox શીતળા જેવા વાયરસના જ પરિવારનો છે.